સત્ય. સાહસ. સંકલ્પ.

એડિલેડમાં ઇંગ્લેન્ડનો ભવ્ય વિજય, ઓસ્ટ્રેલિયાને 135 રને હરાવ્યું

એડિલેડમાં ઇંગ્લેન્ડનો ભવ્ય વિજય, ઓસ્ટ્રેલિયાને 135 રને હરાવ્યું

એડિલેડમાં રમાયેલી વનડે મેચમાં ઇંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયા સામે 135 રનની મોટી જીત મેળવી છે. પ્રથમ બેટિંગ કરતા ઇંગ્લેન્ડે ટૉમ બેન્ટનની સદીની મદદથી 50 ઓવરમાં 6 વિકેટે 355 રનનો સ્કોર બનાવ્યો હતો. જવાબમાં ઓસ્ટ્રેલિયન ટીમ 44.3 ઓવરમાં 220 રનમાં ઓલઆઉટ થઈ જતાં ઇંગ્લેન્ડે મેચ પોતાના નામે કરી લીધી હતી.

ઇંગ્લિશ ઇનિંગ્સની શરૂઆતથી જ બેટ્સમેનોએ આક્રમક બેટિંગ કરી હતી. ઓપનર ટૉમ બેન્ટને 99 બોલમાં 12 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 121 રનની સદી ફટકારી હતી. બેન ડકેટ માત્ર 9 રનમાં આઉટ થયો હતો. જો રૂટે 68 બોલમાં 62 રનની ઇનિંગ રમીને ટીમને સંભાળી હતી, જ્યારે કેપ્ટન હેરી બ્રૂક 5 રનમાં આઉટ થયો હતો. જોર્ડન કોક્સે 49 બોલમાં 67 રન અને વિલ જેક્સે 40 બોલમાં અણનમ 54 રન ફટકાર્યા હતા. અંતિમ ઓવરોમાં સેમ કરને 14 રન અને ગસ એટકિન્સને 4 બોલમાં અણનમ 13 રન બનાવીને ટીમને 355 રને પહોંચાડવામાં યોગદાન આપ્યું હતું.

ઓસ્ટ્રેલિયા તરફથી ઝેવિયર બાર્ટલેટે 10 ઓવરમાં 72 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. સ્પેન્સર જ્હોનસન, રિલે મેરેડિથ અને કૂપર કોનોલીએ 1-1 વિકેટ મેળવી હતી.

356 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાની ટીમ 44.3 ઓવરમાં 220 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. કેપ્ટન મિચેલ માર્શ 2 રન અને ટ્રેવિસ હેડ 7 રનમાં આઉટ થયા હતા. મેટ રેન્શોએ 74 બોલમાં 63 રન અને કેમેરોન ગ્રીને 82 બોલમાં 64 રનની ઇનિંગ રમી હતી, પરંતુ ટીમને જીત સુધી પહોંચાડી શક્યા નહોતા.

ઇંગ્લેન્ડ તરફથી ગસ એટકિન્સને 10 ઓવરમાં 28 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. લિયામ ડોસન અને સેમ કરને 2-2 વિકેટ મેળવી હતી, જ્યારે સન્ની બેકર અને જોફ્રા આર્ચરે 1-1 વિકેટ લીધી હતી.