સત્ય. સાહસ. સંકલ્પ.

ગુજરાતમાં પાકિસ્તાની મિલકતો: કરોડોની સંપત્તિ પર કબજો કોનો?

ગુજરાતમાં પાકિસ્તાની મિલકતો: કરોડોની સંપત્તિ પર કબજો કોનો?

આઝાદી વખતે ભારત છોડીને પાકિસ્તાન ગયેલા લોકોની મિલકતોને સરકારી ભાષામાં 'એનિમી પ્રોપર્ટી' કહેવાય છે. આવી મિલકતો ગુજરાતમાં પણ છે, ખાસ કરીને સૌરાષ્ટ્રમાં. દિવ્ય ભાસ્કરની ઇન્વેસ્ટિગેશન ટીમને મળેલા દસ્તાવેજો અને ગ્રાઉન્ડ તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે.

કેન્દ્ર સરકારના ડેટા પ્રમાણે ગુજરાતમાં લગભગ 150 એનિમી પ્રોપર્ટી છે. સૌથી વધુ મિલકતો રાજકોટ જિલ્લામાં છે. સિટી સર્વેના લિસ્ટ મુજબ રાજકોટ જિલ્લામાં 139 એનિમી પ્રોપર્ટી નોંધાયેલી છે, જેમાં જેતપુર તાલુકામાં 40થી વધુ, ગોંડલમાં 8, અને રાજકોટ તથા ધોરાજીમાં બે-બે મિલકતો છે.

ગોંડલના માંડવી ચોકની ખારપા શેરીમાં ભાટિયા ભવન આવેલું છે. સરકારી લિસ્ટ મુજબ આ મિલકત હાજરાબાઈ તાર મહોમદની છે, જેઓ પાકિસ્તાન જતા રહ્યા. આ બે માળની જૂની હવેલી બંધ પડી છે. પરંતુ તેની નીચે ત્રણ શટરવાળી દુકાનો ચાલે છે, જે પાઘડી પેટે ભાડે આપવામાં આવી છે. દુકાનમાં કપાસની રૂના ગાદલા બનાવીને વેચવામાં આવે છે.

દુકાન ચલાવતા રફીકભાઈ રાઠોડે દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે, "મારી એક જ દુકાન છે જેના ત્રણ શટર છે. 35 વર્ષથી વધુ સમયથી બાપ-દાદાએ દુકાન રાખી છે. મકાન માલિક કોણ છે એની ખબર નથી. એના મહેતાજી આવે છે અને બે-ચાર મહિને એક વાર ભાડું લઈ જાય છે. મહિનાનું ભાડું 400 રૂપિયા અને 95 રૂપિયા વેરો અમે આપીએ છીએ. મારી પાસે ભાડાની પહોંચ છે."

ગોંડલમાં જ બીજી એક મિલકત સર્વે નંબર 599/4/1 પર આવેલી છે. સરકારી લિસ્ટમાં તેને 'એગ્રીકલ્ચર લેન્ડ' તરીકે દર્શાવવામાં આવી છે અને માલિકનું નામ હબીબ યાકુબ તબાની છે. જમીન 1 એકર 9 ગૂંઠા છે. સ્થળ પર તપાસ કરતાં ખબર પડી કે આ જમીનનો મોટો ભાગ વેચાઈ ચૂક્યો છે અને હવે ખાનગી માલિકીનો છે. કેટલીક જમીન રેલવેમાં કપાતમાં ગઈ છે, પણ હજુ ખુલ્લું મેદાન બાકી છે.

આ મિલકતો પર વર્ષોથી જે લોકો કબજો કરીને બેઠા છે, તેમને કોઈ સત્તાવાર માલિકની ખબર નથી. ભાડું લેવાય છે, પણ તે કોના ખિસ્સામાં જાય છે એ મોટો સવાલ છે. કાગળો પરની આ મિલકતો ધીમે ધીમે ગાયબ થઈ રહી છે કે કેમ એ તપાસનો વિષય છે.