ઇમરાન હાશમીની આગામી ફિલ્મ 'ગનમાસ્ટર G9'ના સેટનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી ફેલાઈ રહ્યો છે. આ વીડિયોમાં એક SUV હવામાં પલટી ખાઈને નીચે ઊભેલી વાનની છત પર પડતી જોવા મળી રહી છે.
વીડિયોમાં દેખાય છે કે એક આઉટડોર સેટ પર કાર સ્ટંટની તૈયારી ચાલી રહી છે. એક SUVને મોટા બાંધકામ ક્રેન વાહનથી હવામાં લટકાવવામાં આવી છે. રસ્તા પર ક્રૂ મેમ્બર્સ અને અન્ય લોકો આ સેટઅપ જોઈ રહ્યા છે. ત્યારબાદ કાઉન્ટડાઉન શરૂ થાય છે અને પૂરું થતાં જ ક્રેનની કેબલમાંથી SUV અચાનક ઝટકા સાથે હવામાં પલટી જાય છે.
SUV નીચેની તરફ ફરતી-ફરતી પડે છે અને ત્યાં ઊભેલી કાળી વાનની છત સાથે જોરદાર ટક્કર થાય છે. આ જોઈને ક્રૂ મેમ્બર્સ અને આસપાસ હાજર લોકો દોડીને કાર તરફ જાય છે.
જોકે, મેકર્સે હજુ સુધી સ્પષ્ટતા કરી નથી કે આ ઘટના આયોજનબદ્ધ સ્ટંટ હતો કે પછી સ્ટંટ દરમિયાન થયેલો અકસ્માત. અકસ્માતમાં અત્યાર સુધી કોઈને ઈજા થયાના સમાચાર નથી.
સોશિયલ મીડિયા પર એવો દાવો પણ કરવામાં આવી રહ્યો છે કે જ્યારે ક્રેનના મિકેનિઝમમાં ખામી સર્જાઈ અને હવામાં ફરી રહેલી SUV નીચે પડી, ત્યારે ઈમરાન હાશમી ત્યાં જમીન પર ઊભો હતો. આ ગાડી તેના ચહેરાથી માત્ર થોડા ઇંચના અંતરે આવીને નીચે ઊભેલી વેન સાથે અથડાઈ હતી. જોકે, વીડિયોમાં ઈમરાન હાશમી સ્પષ્ટ દેખાતો નથી અને સત્તાવાર રીતે પણ તેની પુષ્ટિ થઈ શકી નથી કે તે ઘટના સમયે ત્યાં હાજર હતો.
વીડિયોમાં ઇમરાન હાશ્મીની ફિલ્મ 'ગનમાસ્ટર G9'ના લુક જેવો એક વ્યક્તિ દૂર નજરે પડે છે, પરંતુ અંતરને કારણે તેનો ચહેરો સ્પષ્ટ ઓળખી શકાતો નથી.
ઉલ્લેખનીય છે કે ઇમરાન હાશ્મી હાલ 'ગનમાસ્ટર G9'નું શૂટિંગ કરી રહ્યો છે. ફિલ્મમાં ઇમરાન હાશ્મી ઈશ્વરનું પાત્ર ભજવી રહ્યો છે, જ્યારે જેનેલિયા ડિસોઝા આરતી અને અપારશક્તિ ખુરાના દેશુની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મની વાર્તા ફરીમ મોમિન અને જુનૈદ વાસીએ લખી છે, જ્યારે આદિત્ય દત્ત ડિરેક્ટર છે.
ફિલ્મની વાર્તા એક એવા પ્રેમીની છે, જે પોતાની પસંદની મહિલા સાથે રહેવા માટે હદથી આગળનાં પગલાં ભરે છે. આ દરમિયાન તેનો સામનો એક ખતરનાક દુશ્મન સાથે થાય છે. 'ગનમાસ્ટર G9'માં ઇમરાન હાશ્મી અને હિમેશ રેશમિયા ફરી સાથે આવ્યા છે. દીપક મુકુટ, હુનર મુકુટ અને સંગીતા અહીર ફિલ્મના નિર્માતા છે અને આ ફિલ્મ સોહમ રોકસ્ટાર એન્ટરટેઇનમેન્ટના બેનર હેઠળ બની રહી છે.
અગાઉ જૂન 2026માં હરિદ્વારમાં 'ગનમાસ્ટર G9'ના શૂટિંગ દરમિયાન બાર એન્ડ રેસ્ટોરન્ટના સેટને લઈને વિવાદ થયો હતો. હિંદુવાદી સંગઠનો અને તીર્થ પુરોહિતોએ સેટ પર પહોંચીને બોર્ડનો વિરોધ કર્યો હતો અને પૂછ્યું હતું કે હરિદ્વારમાં આવું બોર્ડ લગાવવાની મંજૂરી કોણે આપી હતી. વિરોધ વધતાં નિર્માતાઓને બોર્ડ પરથી 'બાર' શબ્દ હટાવવો પડ્યો હતો. તે સમયે બંને કલાકારો હરિદ્વાર અને દેહરાદૂનમાં ફિલ્મના શૂટિંગ માટે હાજર હતા.