સત્ય. સાહસ. સંકલ્પ.

ટેક્સ બચાવો અને મેળવો 20%થી વધુ વળતર, ELSS ફંડમાં છે સૌથી ઓછો લોક-ઇન પિરિયડ

ટેક્સ બચાવો અને મેળવો 20%થી વધુ વળતર, ELSS ફંડમાં છે સૌથી ઓછો લોક-ઇન પિરિયડ

ઈન્કમ ટેક્સ બચાવવા માટે ઘણા વિકલ્પો ઉપલબ્ધ છે, જેમ કે PPF, NPS અને ટેક્સ સેવિંગ FD. પરંતુ મ્યુચ્યુઅલ ફંડમાં એક એવો પ્લાન છે જે ટેક્સમાં છૂટ અપાવે છે અને સાથે સારું વળતર પણ આપે છે. તેની સૌથી મોટી ખાસિયત એ છે કે સેક્શન 80C હેઠળ ટેક્સ બચાવતા તમામ સાધનોમાં સૌથી ઓછો લોક-ઇન પિરિયડ આનો જ છે. આ પ્લાન એટલે ELSS (ઈક્વિટી લિંક્ડ સેવિંગ્સ સ્કીમ).

ઈક્વિટી માર્કેટમાં રોકાણ કરીને સારું વળતર મેળવી શકાય છે. જે રોકાણકારો જોખમ લેવામાં સાવધ છે તેઓ મ્યુચ્યુઅલ ફંડ્સ દ્વારા ઈક્વિટી માર્કેટમાં રોકાણ કરે છે. પરંતુ સામાન્ય રીતે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ પર ટેક્સ ડિડક્શન મળતું નથી. ELSS એ એકમાત્ર એવો મ્યુચ્યુઅલ ફંડ પ્લાન છે જેમાં ટેક્સ બેનિફિટ મળે છે.

જૂની ટેક્સ રિજીમમાં ઈન્કમ ટેક્સ એક્ટના સેક્શન 80C હેઠળ ELSSમાં રોકાણ પર એક નાણાકીય વર્ષમાં ₹1.50 લાખ સુધીના રોકાણ પર ડિડક્શન ક્લેમ કરી શકાય છે. આ ઉપરાંત, એક વર્ષથી વધુ હોલ્ડિંગને રિડીમ કરવા પર એટલે કે લોંગ ટર્મ કેપિટલ ગેઈન (LTCG)માંથી ₹1 લાખથી વધુના નફા પર 10% ટેક્સ લાગે છે. એક વર્ષથી ઓછા હોલ્ડિંગને રિડીમ કરવા પર એટલે કે શોર્ટ ટર્મ કેપિટલ ગેઈન (STCG) પર 20% ટેક્સ આપવો પડે છે. ELSSના યુનિટ્સના રિડેમ્પશન પર કોઈ TDS (ટેક્સ ડિડક્ટેડ એટ સોર્સ) નથી.

ELSSનો લોક-ઇન પિરિયડ માત્ર 3 વર્ષનો છે. સરખામણીમાં, PPFમાં 15 વર્ષનો લોક-ઇન હોય છે અને ટેક્સ-સેવિંગ FDનો લોક-ઇન 5 વર્ષનો હોય છે. લોક-ઇન પિરિયડ પૂરો થયા પછી યુનિટ્સ વેચવા પર કોઈ એક્ઝિટ લોડ લાગતો નથી. તમે એકસાથે રકમ (લમ્પસમ) રોકી શકો છો અથવા SIP (સિસ્ટમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન) દ્વારા થોડું-થોડું કરીને લાંબાગાળે સારો ફંડ તૈયાર કરી શકો છો.

ELSSમાં વળતર પણ આકર્ષક રહ્યું છે. છેલ્લા ત્રણ વર્ષના આંકડા પ્રમાણે, મોતીલાલ ઓસવાલ ઈએલએસએસ ટેક્સ ફંડ ડાયરેક્ટ ગ્રોથમાં વાર્ષિક 23.84%, આઈટીઆઈ ઈએલએસએસ ટેક્સ સેવર ફંડ ડાયરેક્ટ ગ્રોથમાં 19.45%, વ્હાઈટઓક કેપિટલ ઈએલએસએસ ટેક્સ ફંડ ડાયરેક્ટ ગ્રોથમાં 18.63%, એચએસબીસી ઈએલએસએસ ટેક્સ સેવર ફંડ ડાયરેક્ટ ગ્રોથમાં 18.34% અને જેએમ ઈએલએસએસ ટેક્સ સેવર ફંડ ડાયરેક્ટ ગ્રોથમાં 18.27% ની ઝડપે વધ્યું છે.

નોંધ: આ માહિતી ફક્ત જાણકારી માટે છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ લેવી. બજારમાં રોકાણ જોખમો સાથે સંકળાયેલું છે.