વિશ્વના સૌથી અમીર ઉદ્યોગપતિ એલોન મસ્કે ફરી એકવાર દાવો કર્યો છે કે ભવિષ્યમાં નિવૃત્તિ માટે પૈસા બચાવવાની જરૂર નહીં રહે. તેમના મતે AI અને રોબોટિક્સના કારણે દરેક વસ્તુ અને સુવિધા એટલી મોટા પ્રમાણમાં ઉપલબ્ધ થશે કે જમા કરેલી મૂડીનું કોઈ મહત્વ નહીં રહે.
મસ્ક છેલ્લા કેટલાક વર્ષોથી કહે છે કે AI અને રોબોટિક્સને કારણે વસ્તુઓ ખૂબ સસ્તી થશે. પરિણામે કામ કરવું, પગાર મેળવવો અને પૈસા બચાવવાની પરંપરાગત રીત ખતમ થશે. મસ્કે 'X' પર એક યુઝરની પોસ્ટનો જવાબ આપતાં આ વાત કહી. તે યુઝરે લખ્યું હતું કે તે પોતાના અયોગ્ય ખર્ચને એમ કહીને યોગ્ય ઠેરવે છે કે આગળ જતાં બધું ભરપૂર ઉપલભ્ય હશે.
મસ્કે તાજેતરમાં પોતાના વિઝનને વિગતવાર સમજાવતા કહ્યું કે રોબોટિક્સ અને સ્પેસ ટ્રાવેલમાં થનારા મોટા સુધારા 'મલ્ટી-પ્લેનેટરી ઇકોનોમી'ને જન્મ આપશે. તેમણે કહ્યું કે આ મુકામે પહોંચ્યા પછી પરંપરાગત કરન્સીનું મહત્વ નહીં રહે. જ્યારે ઉત્પાદનની કોઈ મર્યાદા નહીં હોય, ત્યારે આર્થિક લેવડદેવડની રીત સંપૂર્ણપણે બદલાઈ જશે.
મસ્ક માને છે કે AI, એનર્જી ક્ષેત્ર અને રોબોટિક્સ મળીને ઉત્પાદન ક્ષમતા ઘણી ગણી વધારી દેશે. પરિણામે સંસાધનોની કોઈ અછત રહેશે નહીં. ઉદાહરણ તરીકે, આજે કાર ખરીદવી, ઘર બનાવવું કે હોસ્પિટલમાં સારવાર કરાવવી હોય તો માનવ શ્રમ, એન્જિનિયરો અને ડૉક્ટરોની ફી અને સામાનની કિંમતને કારણે ખર્ચ થાય છે. ભવિષ્યમાં જો AI અને રોબોટ્સ આ કામ કરશે, તો ખર્ચ લગભગ શૂન્ય થઈ જશે અને વસ્તુઓ સસ્તી થશે.
બિલ ગેટ્સના જણાવ્યા અનુસાર AIના કારણે ભવિષ્યમાં બધું સરળ બનશે, પરંતુ આગામી 20 વર્ષોનો ફેરફાર માનવ ઇતિહાસનો સૌથી તણાવપૂર્ણ સમય સાબિત થશે. ટેલિકોલિંગ, એકાઉન્ટિંગ અને સપોર્ટનું કામ AI લઈ લેશે, જ્યારે ખેતી, મકાન નિર્માણ અને સર્જરીનું કામ રોબોટ્સ સંભાળશે. જો AIની ઝડપ પર બ્રેક નહીં લાગે, તો અર્થવ્યવસ્થામાં સામાન બનાવવા માટે માનવ શ્રમની જરૂરિયાત જ નહીં રહે. આમ છતાં, બાળકોની સંભાળ જેવા કામ માનવો પાસે જ રાખવા જોઈએ, જેથી જીવનનો આનંદ જળવાઈ રહે.
બેરોજગારીના સંકટથી બચવા માટે બિલ ગેટ્સ અને જેફ બેઝોસે અઠવાડિયામાં કામના દિવસો ઘટાડવા અને વહેલી નિવૃત્તિ આપવાની સલાહ આપી છે.
જોકે, નિષ્ણાતોએ મસ્કના દાવા પર ચેતવણી આપી છે. સર્ટિફાઇડ પબ્લિક અકાઉન્ટન્ટ સ્ટેસી જૉનસને કહ્યું કે જો મસ્ક સાચા સાબિત થાય અને તમે પૈસા બચાવી લો, તો વધારાના પૈસા હશે, જેનાથી નુકસાન નથી. પરંતુ જો મસ્ક ખોટા સાબિત થાય અને તમે પૈસા બચાવ્યા ન હોય, તો વૃદ્ધાવસ્થામાં પૈસા વિના રસ્તા પર આવી જશો.
વૉર્ટન સ્કૂલના પ્રોફેસર ઓલિવિયા મિચેલના મતે, AIથી ખર્ચ ભલે ઘટે, પરંતુ આર્થિક પ્રગતિનો લાભ સૌને સમાન રીતે નહીં મળે. વેલ્થ મેનેજર ક્રિસ્ટિન પુઘનો તર્ક છે કે જૂની ટેક્નોલોજીથી પણ લોકોની ઉત્પાદકતા વધી, પરંતુ કામ ઓછું થયું નહોતું. મસ્ક જેવા દિગ્ગજોએ પહેલાં જણાવવું જોઈએ કે તેઓ આ વ્યવસ્થાને વાસ્તવિક સ્તરે કેવી રીતે અમલમાં મૂકશે.
લંડન બિઝનેસ સ્કૂલના પ્રોફેસર એકાતેરિના અબ્રામોવાનું માનવું છે કે સર્વજનિક આવક AI કરતાં સરકારોની નીતિઓ અને રાજકીય નિર્ણયો પર વધુ નિર્ભર રહેશે. યુનિવર્સિટી કોલેજ લંડનના જાણકારો કહે છે કે ઇતિહાસમાંથી બોધપાઠ લેતા બચત કરવાનું બંધ ન કરવું જોઈએ.