હોલિવૂડ ફિલ્મ ‘ધ ફિક્સ’માં લિયામ નીસન અને જેક ક્વેઇડ જેવા કલાકારો સાથે કામ કરી રહેલી અભિનેત્રી એલનાઝ નોરૌઝી હાલમાં પોતાની કારકિર્દીના નવા પડાવ પર છે. ઈરાનમાં જન્મેલી, જર્મનીમાં ઉછરેલી અને ભારતમાં પોતાની ઓળખ બનાવ્યા બાદ હવે લોસ એન્જલિસમાં તકો શોધી રહેલી એલનાઝની સફર સરળ રહી નથી.
તે પોતાની નવી ફિલ્મ, હોલિવૂડ અને બોલિવૂડની કામ કરવાની રીતોમાં રહેલા તફાવત તથા ઈરાનની વર્તમાન પરિસ્થિતિ અંગે ખુલીને વાત કરે છે. દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં તેણે કહ્યું કે ઈરાનના લોકોની સ્વતંત્રતા અને લોકશાહીની માગને સમજવી જરૂરી છે.
સવાલ: ‘ધ ફિક્સ’ તમારા માટે કેટલી ખાસ ફિલ્મ છે?
જવાબ: આ મારા માટે ખૂબ જ ખાસ ફિલ્મ છે. તેમાં રાજકારણ, ઇતિહાસ, એક્શન અને લાગણી—બધું જ છે. ફિલ્મની વાર્તામાં ઈરાન અને તેહરાન સાથે જોડાયેલા પાસાં પણ છે. દિગ્દર્શકે તેની સરખામણી ‘ધુરંધર’ સાથે પણ કરી હતી. મને લાગે છે કે આ ફિલ્મ દર્શકોને એક અલગ અનુભવ આપશે.
સવાલ: લિયામ નીસન અને જેક ક્વેઇડ જેવા હોલિવૂડ કલાકારો સાથે કામ કરવાનો અનુભવ કેવો રહ્યો?
જવાબ: લિયામ નીસનને આપણે પડદા પર ઘણીવાર ગંભીર અને દમદાર પાત્રોમાં જોઈએ છીએ, પરંતુ વાસ્તવિક જીવનમાં તેઓ ખૂબ જ સહજ અને રમૂજી છે. તેમની સાથે કામ કરીને સારું લાગ્યું. જેક ક્વેઇડ સાથે પણ મારી સારી મિત્રતા થઈ ગઈ અને અમારી કેમિસ્ટ્રી ઘણી સારી રહી. બંને કલાકારો પાસેથી ઘણું શીખવા મળ્યું.
સવાલ: હોલિવૂડ અને બોલિવૂડના સેટ પર કામ કરવાની રીતમાં તમને સૌથી મોટો ફરક શું લાગ્યો?
જવાબ: હોલિવૂડના સેટ પર કેમેરાની આસપાસ લોકોની સંખ્યા ઘણી વાર ઓછી હોય છે, જેના કારણે કલાકારોને કામ કરવા માટે વધુ જગ્યા મળે છે. આથી તેઓ પોતાના પાત્ર પર વધુ સારી રીતે ધ્યાન કેન્દ્રિત કરી શકે છે. મને લાગે છે કે બોલિવૂડમાં પણ કેટલાક કિસ્સાઓમાં આવા ફેરફારોથી ફાયદો થઈ શકે છે.
સવાલ: ‘ધ ફિક્સ’ના શૂટિંગ દરમિયાન કોઈ મુશ્કેલ અનુભવ પણ રહ્યો?
જવાબ: અમે જ્યોર્જિયાના ત્બિલિસીમાં ઑક્ટોબર અને નવેમ્બર દરમિયાન શૂટિંગ કર્યું હતું. ત્યાં ખૂબ ઠંડી હતી અને હું લગભગ બે અઠવાડિયા સુધી બીમાર રહી હતી. મારો અવાજ પણ જતો રહ્યો હતો. પરંતુ આખી ટીમે એકબીજાને ખૂબ સાથ આપ્યો. આવા અનુભવો તમને ટીમવર્કનું મહત્વ સમજાવે છે.
સવાલ: ઈરાનની વર્તમાન પરિસ્થિતિને તમે કયા દૃષ્ટિકોણથી જુઓ છો?
જવાબ: ત્યાં જે થઈ રહ્યું છે, તેને માત્ર આજની ઘટના તરીકે જોઈ શકાય નહીં. મારા મતે, ઈરાનના લોકો છેલ્લા 47 વર્ષથી દમનનો સામનો કરી રહ્યા છે. તે આઝાદી, લોકશાહી અને નિષ્પક્ષ ચૂંટણી ઈચ્છે છે. યુદ્ધ ખૂબ જ દુઃખદ હોય છે અને સામાન્ય લોકોએ તેની સૌથી મોટી કિંમત ચૂકવવી પડે છે. આપણે ઈરાનના લોકોની વ્યથા અને તેમના અવાજને સમજવાની જરૂર છે.
સવાલ: તમે આઠ વર્ષની ઉંમરે ઈરાનથી જર્મની જતા રહ્યા હતા. ત્યારબાદ ભારત અને હવે લૉસ એન્જલસ સુધીની સફર કેવી રહી?
જવાબ: જિંદગીમાં ઘણી વાર શરૂઆતથી બધું કરવું પડ્યું છે. ઈરાનથી જર્મની ગઈ, પછી ભારત આવી અને હવે લોસ એન્જલિસમાં પોતાની કારકિર્દી બનાવવાનો પ્રયાસ કરી રહી છું. દરેક જગ્યાએ પડકારો છે, પરંતુ હું હાર માનનારાઓમાંની નથી. મારે સતત કામ કરવું છે અને અલગ પ્રકારની ભૂમિકાઓ ભજવવી છે.
સવાલ: તમને ઘણી વાર ગ્લેમરસ ભૂમિકાઓ સાથે જોડીને જોવામાં આવે છે. શું આ છબી તોડવી મુશ્કેલ છે?
જવાબ: લોકો તમને એક ખાસ પ્રકારના પાત્રમાં જુએ છે, તો એ જ છબીમાં બાંધી દેવાય છે. પરંતુ મેં ‘સેક્રેડ ગેમ્સ’, ‘રણનીતિ’, ‘કંધાર’ અને ‘તેહરાન’ જેવા પ્રોજેક્ટ્સમાં અલગ પ્રકારનું કામ કર્યું છે. હું ઇચ્છું છું કે લોકો મને માત્ર ગ્લેમરસ પાત્રો માટે નહીં, પરંતુ મારી એક્ટિંગ અને વિવિધ ભૂમિકાઓ માટે ઓળખે.
સવાલ: શું ભારતીય ફિલ્મોને આંતરરાષ્ટ્રીય સ્તરે વધુ ઓળખ મળી રહી છે?
જવાબ: બિલકુલ. ‘આરઆરઆર’ અને ‘ધુરંધર’ જેવી ફિલ્મોએ આંતરરાષ્ટ્રીય સ્તરે લોકોનું ધ્યાન ખેંચ્યું છે. ‘ધ ફિક્સ’ના દિગ્દર્શકે પણ ભારતીય ફિલ્મો જોઈ છે. હું ઇચ્છું છું કે ભારતીય સિનેમાને દુનિયાભરમાં વધુ ઓળખ મળે.