સત્ય. સાહસ. સંકલ્પ.

એલિસબ્રિજ રિનોવેશનમાં વિલંબ: અડધું કામ પૂર્ણ, નવેમ્બરમાં ખુલવાની શક્યતા

એલિસબ્રિજ રિનોવેશનમાં વિલંબ: અડધું કામ પૂર્ણ, નવેમ્બરમાં ખુલવાની શક્યતા

અમદાવાદના ઐતિહાસિક એલિસબ્રિજના રિનોવેશનમાં વિલંબ થયો છે. અડધા બ્રિજ પર માર્બલના પથ્થરો જડાઈ ગયા છે, પણ છેડાના ભાગમાં કામ ધીમી ગતિએ ચાલી રહ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)એ વિલંબના ત્રણ મુખ્ય કારણો જણાવ્યા છે.

AMCના અધિકારીઓના જણાવ્યા અનુસાર, બ્રિજનું કામ અટક્યું નથી, પણ વધારાના ટેકનિકલ રિપેરિંગ અને નવી સુવિધાઓ ઉમેરવાને કારણે વિલંબ થયો છે.

1. છેલ્લા સ્પાનમાં ગંભીર નુકસાન: બ્રિજના છેલ્લા સ્પાનમાં અપેક્ષા કરતાં વધુ નુકસાન જોવા મળ્યું. આથી આર્ચને નીચેથી ટેકો આપીને વર્ટિકલ મેઇન લોડ લેતા બોટમ મેમ્બર્સ બદલવા પડ્યા. કન્સલ્ટન્ટ પાસેથી ખાસ ડિઝાઇન તૈયાર કરાવીને SVNIT પાસે ચેક કરાવવામાં આવી. હાલ ફેક્ટરીમાં ફેબ્રિકેશન થઈ રહ્યું છે અને સાઇટ પર ફિટિંગનું કામ ચાલી રહ્યું છે.

2. રિવરફ્રન્ટથી ઉપર આવવા લિફ્ટની સુવિધા: મ્યુનિસિપલ કમિશનર સાથેની સમીક્ષા બેઠકમાં રિવરફ્રન્ટ પરથી લોકોને બ્રિજ પર આવવા માટે માત્ર સીડીને બદલે લિફ્ટ બનાવવાનું સૂચન મળ્યું. આ લિફ્ટ માટે 1 સ્પાન વચ્ચે બાકી રખાયો. હાલ તેનું RCC વેલ અને ડિઝાઇન પૂર્ણ થઈ ગયા છે.

3. બ્રિજ ડેકોરેટિવ લાઇટિંગ: મૂળ ટેન્ડરમાં સમાવેશ ન હોવા છતાં, બ્રિજની સુંદરતા વધારવા માટે ડેકોરેટિવ લાઇટિંગ કરવાનું નક્કી કરાયું છે. તેનું વાયરિંગ એરેન્જમેન્ટ પણ ચાલુ છે.

તંત્રના જણાવ્યા મુજબ, આગામી દોઢ મહિનામાં સિવિલ વર્ક અને ત્યારબાદ 1 મહિનામાં ઈલેક્ટ્રિકલ કામ પૂરું થશે. મૂળ દોઢ વર્ષની ડેડલાઇન મુજબ કામ 10મા મહિનામાં પૂરું થવાનું હતું, પણ વધારાના સુધારા અને રિપેરિંગને કારણે હવે 11મા મહિનાના અંત સુધીમાં એટલે કે નવેમ્બરમાં અથવા તેના પ્રથમ અઠવાડિયામાં એલિસબ્રિજ ફરી એકવાર નાગરિકો અને પ્રવાસીઓ માટે ખુલ્લો મુકાય તેવી શક્યતા છે.