સત્ય. સાહસ. સંકલ્પ.

એલિસબ્રિજ પર યુવકે આપઘાતનો પ્રયાસ કર્યો, દોઢ કલાકની જહેમત બાદ સુરક્ષિત રેસ્ક્યૂ

એલિસબ્રિજ પર યુવકે આપઘાતનો પ્રયાસ કર્યો, દોઢ કલાકની જહેમત બાદ સુરક્ષિત રેસ્ક્યૂ

અમદાવાદના એલિસબ્રિજ પર 3 ઓક્ટોબરની મોડી રાત્રે એક યુવકે સાબરમતી નદીમાં કૂદીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. તે બ્રિજની જાળી પર ચઢી ગયો હતો અને લાંબા સમય સુધી ત્યાં લટકતો રહ્યો હતો.

ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો એકઠા થઈ ગયા હતા અને તેમણે તરત જ પોલીસ તેમજ ફાયર વિભાગને જાણ કરી હતી. કંટ્રોલ રૂમથી સૂચના મળતાં જ પોલીસ ટીમ બ્રિજ પર પહોંચી ગઈ હતી, જ્યારે ફાયર વિભાગની રિવર રેસ્ક્યૂ ટીમ બોટ સાથે નદીમાં તૈનાત થઈ ગઈ હતી.

ફાયર વિભાગના જવાનોએ નદીમાં બોટને હોલ્ટ પર રાખીને યુવકને શાંતિથી સમજાવવાનું શરૂ કર્યું હતું. લગભગ દોઢ કલાકની મહેનત બાદ યુવક શાંત થયો હતો અને ફાયરની ટીમે દોરડું બાંધી તેને રિવરફ્રન્ટ પર સુરક્ષિત રીતે નીચે ઉતાર્યો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે.

યુવકને સુરક્ષિત નીચે ઉતાર્યા બાદ રિવરફ્રન્ટ પોલીસે તેનું નામ-સરનામું પૂછીને આપઘાતનો પ્રયાસ કરવા પાછળના કારણ અંગે પૂછપરછ હાથ ધરી છે. પોલીસે યુવકના પરિવારજનોને ઘટના અંગે જાણ કરી છે અને સમગ્ર મામલે જાણવા જોગ નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.