કેરળમાં જન્મ વખતે જ પોતાના ટોળાથી વિખૂટી પડેલી 18 મહિનાની હાથણી માયા હાલ ગુજરાતના જામનગર સ્થિત વંતારા કેન્દ્રમાં સારવાર હેઠળ છે. હાડકાંની ગંભીર બીમારી સામે ઝઝૂમી રહેલી માયાને 6 નવેમ્બરે કેરળથી વિશેષ સારવાર માટે જામનગર એરલિફ્ટ કરવામાં આવી હતી. ડોક્ટરો હવે તેની સારવાર શક્ય છે કે નહીં તે ચકાસી રહ્યા છે અને તે સાજી થશે કે નહીં તે અંગે હજુ કંઈ ચોક્કસ કહી શકાય તેમ નથી.
માયાની કહાણી જન્મથી જ સંઘર્ષભરી રહી છે. 19 એપ્રિલ, 2025ના રોજ તે કેરળના મલયાટ્ટૂર ડિવિઝનના કપરીક્કાડ વિસ્તારમાં મળી આવી હતી. તેનું ટોળું તેને નદી પાસે એકલી છોડીને આગળ વધી ગયું હતું, જેના કારણે તે તેની માતાથી વિખૂટી પડી હતી. તે સમયે માયા ખૂબ નબળી હતી અને ડિહાઇડ્રેશનથી પીડાતી હતી. માતાનું પ્રથમ દૂધ પણ તેને મળ્યું નહોતું અને નબળાઈને કારણે તે જાતે દૂધ પીવામાં પણ અસમર્થ હતી. વન વિભાગની ટીમે તેને બચાવીને અભયારણ્યમ પહોંચાડી હતી, જ્યાં પશુચિકિત્સક ડૉ. બિનોય સી. બાબુ અને સંભાળ રાખનારાઓની ટીમે તેની દેખરેખ શરૂ કરી હતી. તેને દિવસ-રાત દૂધ અને જરૂરી પોષણ આપવામાં આવ્યું અને સ્વાસ્થ્ય પર સતત નજર રાખવામાં આવી. ધીમે ધીમે માયાને તેની સંભાળ રાખનારાઓ સાથે લગાવ થયો, ખાસ કરીને નિખિલ બાબુ સાથે તેનો ગાઢ સંબંધ બંધાયો હતો.
જુલાઈ 2026માં રમતી વખતે માયા લપસી પડી અને તેના ખભામાં ઈજા થઈ હતી. શરૂઆતમાં સામાન્ય લાગતી આ ઈજા બાદમાં ગંભીર સમસ્યા બની ગઈ. તેનાં હાડકાં વધુ ને વધુ નબળાં થતાં ગયાં અને ઓક્ટોબર સુધીમાં તેના બંને આગળના પગમાં ફ્રેક્ચર થઈ ગયાં હતાં. તેને છાતીમાં ચેપ લાગ્યો હતો અને શરીર પર દબાણને કારણે ઘા પણ પડ્યા હતા. તેની સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ કે તે પોતાના પગ પર ઊભી પણ રહી શકતી નહોતી અને તેને મોટાભાગે પ્રવાહી આહાર આપવામાં આવતો હતો. 29 ઓક્ટોબરના રોજ મેડિકલ બોર્ડે તેની પીડા અને ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને ઇચ્છામૃત્યુની ભલામણ કરી હતી.
ઇચ્છામૃત્યુનો નિર્ણય લેતાં પહેલાં કેરળના ચીફ વાઇલ્ડલાઇફ વોર્ડન ડૉ. પી. પુગાઝેન્ધીએ અન્ય નિષ્ણાતોની સલાહ લેવાનું નક્કી કર્યું હતું. હાથીઓના પશુચિકિત્સક ડૉ. કુશલ કોંવર શર્માને આશંકા હતી કે માયાને પેરાથાઇરોઇડ ગ્રંથિ સંબંધિત બીમારી હોઈ શકે છે, જેના કારણે તેનાં હાડકાં નબળાં પડ્યાં હોય. તેમણે સારવારના અન્ય વિકલ્પો શોધવાની સલાહ આપી હતી. ત્યારબાદ મેડિકલ બોર્ડે માયાને જામનગર સ્થિત વંતારા ખાતે મોકલવાની સંમતિ આપી હતી. કેરળના ચીફ વાઇલ્ડલાઇફ વોર્ડનના આદેશ બાદ અનંત અંબાણીના વંતારા દ્વારા આ વ્યવસ્થા કરવામાં આવી હતી. 6 નવેમ્બરે તેને વિશેષ તબીબી દેખરેખ અને જીવનરક્ષક સાધનો સાથે હવાઈ માર્ગે જામનગર લાવવામાં આવી, અને તેનો પરિચિત સંભાળ રાખનાર નિખિલ બાબુ પણ તેની સાથે આવ્યો હતો.
વંતારા ખાતે માયાને નિષ્ણાત ડોક્ટરોની દેખરેખ હેઠળ રાખવામાં આવી છે. તેને સઘન સારવાર, પીડામાં રાહત આપતી દવાઓ, જરૂરી તબીબી તપાસ અને સુરક્ષિત હલનચલન માટે વિશેષ સાધનોની મદદ આપવામાં આવશે. વંતારાના CEO વિવાન કરણીએ જણાવ્યું હતું કે, "માયાએ પોતાના જીવનના દરેક દિવસ માટે સંઘર્ષ કર્યો છે. હવે તેના માટે લડવાનો અમારો વારો છે."
કેરળ વન વિભાગ માયાની સારવાર પર સતત નજર રાખશે. જો તેની સ્થિતિમાં પૂરતો સુધારો થશે, તો તેને ફરીથી કેરળના અભયારણ્યમમાં પરત મોકલવાની યોજના છે. હાલમાં ડોક્ટરો સામે સૌથી મોટો પડકાર તેનાં અત્યંત નબળાં હાડકાંની સારવાર કરવાનો અને બીમારીનું મૂળ કારણ શોધવાનો છે. માયાના સ્વસ્થ થવાની આશા હજુ જીવંત છે, પરંતુ તેની ગંભીર સ્થિતિને જોતાં સાજા થવાની શક્યતા અંગે અત્યારે કંઈ ચોક્કસ કહી શકાય તેમ નથી.