સત્ય. સાહસ. સંકલ્પ.

બીમાર બાળ-હાથી 'માયા'ને સારવાર માટે કેરળથી જામનગરના વનતારા ખાતે ખસેડાઇ

બીમાર બાળ-હાથી 'માયા'ને સારવાર માટે કેરળથી જામનગરના વનતારા ખાતે ખસેડાઇ

કેરળના મલયાટ્ટુર ડિવિઝનના કપરીક્કાડ ખાતેથી બચાવવામાં આવેલી 18 મહિનાની હાથીની બાળકી 'માયા'ને ગંભીર બીમારી અને શરીરમાં ઘણા ફ્રેક્ચરની સારવાર માટે ગુજરાતના જામનગર ખાતે આવેલ 'વનતારા' ખાતે ખસેડવાનો નિર્ણય લેવાયો છે. કેરળ વન વિભાગના ચીફ વાઇલ્ડલાઇફ વોર્ડન ડો. પી. પુગઝેન્ડી (IFS)એ 5 નવેમ્બર 2026ના રોજ આ આદેશ આપ્યો છે.

કેટલાક મહિનાથી પ્રાથમિક સારવાર ચાલી રહી હતી, પણ માયાની સ્થિતિમાં સુધારો ન થતાં વન અધિકારીઓ, આસામના પદ્મશ્રી ડો. કુશલ કુંવર શર્મા અને વનતારાના પશુચિકિત્સકોની ભલામણ કરવામાં આવી. તેના આધારે માયાને લાઇફ સપોર્ટ સિસ્ટમ ધરાવતા ખાસ વિમાન મારફતે જામનગર લાવવાની વ્યવસ્થા કરાઇ છે.

માયાની તબીબી સ્થિતિની શરૂઆત 19 એપ્રિલ 2025થી થાય છે. તે દિવસે કપરીક્કાડ નજીક નદી પાર કરતી વખતે હાથીઓના ટોળાએ નવજાત બાળકીને પાછળ છોડી દીધી હતી. બાળકી અત્યંત નબળી હતી અને માતાનું દૂધ પણ મળ્યું ન હતું. તેની માતા પરત ન ફરતાં કેરળ વન વિભાગે તેને બચાવીને 'અભયારણ્યમ' ખાતે રાખી હતી. આસિસ્ટન્ટ ફોરેસ્ટ વેટરનરી ઓફિસર ડો. બિનોય સી. બાબુ, વન વિભાગનો સ્ટાફ અને એક ખાસ આરોગ્ય દેખરેખ સમિતિએ માયાની રાત-દિવસ સંભાળ રાખી હતી.

જોકે, 2 જુલાઈ 2026ના રોજ લપસી જવાથી માયાના જમણા ખભામાં ગંભીર ઇજા થઇ હતી. ફિઝિયોથેરાપી, દવાઓ અને પોષક તત્વો આપવા છતાં તેની સ્થિતિમાં સુધારો ન થયો. ઓક્ટોબરના અંત સુધીમાં માયા ઊભી પણ ન રહી શકતી હતી અને માત્ર પ્રવાહી ખોરાક લેતી હતી. 24 ઓક્ટોબરે કરાયેલી તપાસમાં તેના શરીરમાં ઘણા ફ્રેક્ચર, હાડકાંની અતિશય નબળાઇ, છાતીમાં ચેપ અને લાંબા સમય સુધી જમીન પર પડી રહેવાથી થયેલા ઘા હોવાનું નિદાન થયું હતું.

આ કટોકટીમાં 4 નવેમ્બરે કેરળ વન વિભાગ અને વનતારાના વેટરનરી સલાહકાર પદ્મશ્રી ડો. કુશલ કુંવર શર્મા વચ્ચે તબીબી બોર્ડની બેઠક યોજાઇ હતી. ડો. શર્મા અને વનતારાના હેડ વેટરનરીયન ડો. યાદુરાજ ખડપેકરે માયાના એક્સ-રે અને બ્લડ રિપોર્ટ તપાસીને વિશિષ્ટ સારવારથી સુધારાની શક્યતા દર્શાવી હતી. ત્યારબાદ તેને તાત્કાલિક જામનગર સ્થિત વનતારા ખાતે લઇ જવાનો નિર્ણય લેવાયો.

આ પ્રવાસમાં ત્રણ અનુભવી પશુચિકિત્સકો, પેરાવેટ્સ અને વન વિભાગના પરિચિત સંભાળ રાખનાર નિખિલ બાબુ માયા સાથે રહેશે. વનતારા ખાતે તેને 24 કલાકની પશુચિકિત્સા સંભાળ, દુખાવાનું નિયંત્રણ, ઊભા રહેવા માટેનાં ખાસ સાધનો તથા અદ્યતન હાઇડ્રોથેરાપી અને ફિઝિયોથેરાપીની સુવિધા આપવામાં આવશે.

આ બચાવ અને સારવાર અભિયાનનો મુખ્ય ઉદ્દેશ એક નિર્દોષ જીવને બચાવવાનો તેમજ વન્યજીવ સંરક્ષણ ક્ષેત્રે અત્યાધુનિક પશુચિકિત્સા ટેકનોલોજીના ઉપયોગનું ઉદાહરણ સ્થાપિત કરવાનો છે. માયાની સ્થિતિ હજુ પણ નાજુક છે, પરંતુ વનતારાનું વિશ્વસ્તરીય ઢાંચો, નિષ્ણાત ડોક્ટરોની ટીમ અને સતત દેખરેખ તેની સ્વસ્થતા માટે આશા ઊભી કરે છે.

કેરળ વન વિભાગની સેન્ટ્રલ રીજન મોનિટરિંગ કમિટી વનતારા સાથે સતત સંપર્કમાં રહીને માયાની પ્રગતિ પર નજર રાખશે. સારવાર પૂરી થઇને માયા સ્વસ્થ થાય એટલે તેને કેરળના અભયારણ્યમ ખાતે પરત મોકલવાની કાનૂની અને નૈતિક જોગવાઇ રાખવામાં આવી છે.