દર મહિને લાઈટ બિલ આવતાં જ મોટાભાગના લોકો માત્ર છેલ્લી રકમ જોઈને બિલ ભરી દે છે. પરંતુ શું તમે ક્યારેય ચકાસ્યું છે કે તમારા બિલમાં મીટર રીડિંગ સાચું છે કે નહીં? તમારું કનેક્શન કઈ કેટેગરીમાં છે, કેટલો લોડ નોંધાયેલો છે, અને મીટરની સ્થિતિ શું છે? આ નાની-નાની બાબતો તપાસીને તમે સરળતાથી જાણી શકો છો કે તમારું લાઈટ બિલ સાચું છે કે નહીં.
ઘણી વખત એવું બને છે કે ઘરે આવેલા પેપર બિલમાં ઓછી રકમ હોય, પરંતુ ઓનલાઇન બિલ ચેક કરતાં વધારે રકમ દેખાય છે. આવા સંજોગોમાં બંને વચ્ચેનો તફાવત સમજવો જરૂરી છે. બિલમાં સૌથી ઉપર વીજ વિતરણ કંપનીનું નામ, બિલ આઈડી અને એકાઉન્ટ નંબર હોય છે. બિલ આઈડી દર વખતે બદલાય છે, પણ એકાઉન્ટ નંબર કાયમી હોય છે. બિલ જારી તારીખ, બિલિંગ મહિનો અને વર્ષ પણ ચકાસો.
બિલમાં 'બિલ બેસિસ' લખેલું હોય છે. જો મીટર સામાન્ય હોય તો બિલ વાસ્તવિક મીટર રીડિંગ પર આધારિત હોય છે. ત્યારબાદ ગ્રાહકનું નામ, સરનામું, મોબાઈલ નંબર અને કનેક્શનની વિગતો ચકાસો. જો મોબાઈલ નંબર કે ઈ-મેલ અપડેટ ન હોય તો વીજ કચેરીમાં અપડેટ કરાવો.
બિલમાં તમારા કનેક્શનનો મંજૂર લોડ (Sanctioned Load) દર્શાવેલો હોય છે. તેની સામે કેટેગરી પણ લખેલી હોય છે. રહેણાંક માટે ડોમેસ્ટિક, જ્યારે દુકાનો માટે નોન-ડોમેસ્ટિક હોય છે. દર પણ અલગ-અલગ હોય છે, તેથી ખાતરી કરો કે તમારી કેટેગરી સાચી છે.
મીટર સ્ટેટસ અને રીડિંગ સૌથી મહત્વનાં છે. પાછલું અને વર્તમાન રીડિંગ જોઈને ખબર પડે છે કે કેટલા યુનિટ વપરાયા છે. તમે ઘરના મીટર પર દેખાતા રીડિંગને બિલ સાથે મેળવી શકો છો. જો તફાવત હોય તો તરત ફરિયાદ કરો. મીટર રીડર અંદાજિત રીડિંગ નોંધે તો બિલ ખોટું આવી શકે છે. આથી બિલ આવ્યા પછી રકમ નહીં, રીડિંગ ચકાસો.
કેટલાક ગ્રાહકોને ઘરે ઓછી રકમનું બિલ મળે છે, પણ ઓનલાઇન કે કચેરીમાં વધુ રકમ દેખાય છે. આ અલગ ચાર્જ, જૂની બાકી રકમ કે ACD (સુરક્ષા ડિપોઝિટ)ના કારણે હોઈ શકે છે. તફાવત હોય તો વીજ વિભાગનો સંપર્ક કરી સ્પષ્ટતા મેળવો.
છેલ્લે, બિલમાં દર્શાવેલી ડ્યુ ડેટ પહેલાં ચૂકવણી કરો. વિલંબ થાય તો સરચાર્જ લાગે છે. બિલમાં ફરિયાદ માટેનો સંપર્ક માહિતી પણ હોય છે. આમ, બિલ ભરતાં પહેલાં આ પાંચ બાબતો ચકાસતાં તમે ખોટા બિલથી બચી શકો છો.