નવી દિલ્હી: ચૂંટણી પંચમાં અંદરોઅંદરના વિવાદની વિગતો જાહેર થઈ છે. ચૂંટણી કમિશનર સુખબીર સિંહ સંધૂ અને વિવેક જોશીએ સિનિયર ડેપ્યુટી ચૂંટણી કમિશનર મનીષ ગર્ગ વિરુદ્ધ કેબિનેટ સચિવને ફરિયાત કરી હતી. આ માહિતી નિવૃત્ત કોમોડોર લોકેશ કે. બત્રાને આરટીઆઈ હેઠળ મળેલા જવાબમાંથી સામે આવી છે.
મળતી માહિતી મુજબ, બંને કમિશનરોએ 29 જુલાઈ 2026ના રોજ કેબિનેટ સચિવ ટી.વી. સોમનાથનને અલગ-અલગ પત્રો લખ્યા હતા. આ પત્રોમાં આરોપ હતો કે મનીષ ગર્ગે ચૂંટણી પંચ અથવા સંબંધિત અધિકારીઓ સાથે ચર્ચા કર્યા વિના વરિષ્ઠ અધિકારીઓની કામગીરીના વિભાજનમાં ફેરફાર કરવાનો આદેશ જારી કર્યો હતો. આ ઉપરાંત, મતદાર યાદીની આઈટી સિસ્ટમની દેખરેખ અને કેન્દ્રીકરણ અંગે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી.
જોકે, કેબિનેટ સચિવાલયે આ મામલે કોઈ કાર્યવાહી કરી નથી. 3 ઓગસ્ટની ફાઇલ નોટિંગમાં જણાવાયું હતું કે આ ફરિયાતો બંને કમિશનરોએ વ્યક્તિગત રીતે મોકલી હતી, સમગ્ર ચૂંટણી પંચ વતી નહીં. તેથી, આવી ફરિયાતો પર કાર્યવાહી કરવી એ બંધારણીય સંસ્થાના કામકાજમાં દખલગીરી ગણાશે. કેબિનેટ સચિવાલયે બંને કમિશનરોને પત્રો મળ્યાની પુષ્ટિ કરી હતી અને તેની નકલ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારની કચેરીને મોકલી આપી હતી.
બીજી તરફ, 30 જુલાઈએ બંને ચૂંટણી કમિશનરોએ મનીષ ગર્ગની કામગીરીની વહેંચણી સંબંધિત આદેશ રદ કરી દીધો હતો. સાથે જ, ચૂંટણી પંચમાં કોઈ ફેરફાર અંગે સહમતિ ન બને ત્યાં સુધી જૂની વ્યવસ્થા ચાલુ રાખવાનો નિર્દેશ આપ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, મનીષ ગર્ગ 1996 બેચના હિમાચલ પ્રદેશ કેડરના આઈએએસ અધિકારી છે. ઓગસ્ટ 2024માં કેન્દ્ર સરકારની કેબિનેટ નિમણૂક સમિતિએ તેમને ચૂંટણી પંચમાં ડે. ચૂંટણી કમિશનર તરીકે નિયુક્ત કરવાની મંજૂરી આપી હતી અને તેમણે 2 સપ્ટેમ્બર 2024ના રોજ પદભાર સંભાળ્યો હતો. આ પહેલાં તેઓ હિમાચલ પ્રદેશના મુખ્ય ચૂંટણી અધિકારી હતા. મનીષ ગર્ગનું નામ અગાઉ પણ મતદાર યાદીની આઈટી સિસ્ટમ સંબંધિત વિવાદમાં આવ્યું હતું.