ચૂંટણી પંચે ગુજરાત, ઉત્તર પ્રદેશ, બિહાર અને રાજસ્થાન સહિત 17 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાર યાદીનું સ્પેશિયલ સમરી રિવિઝન (SSR) કરાવવાનો નિર્દેશ આપ્યો છે. આ પ્રક્રિયા હેઠળ મતદાર યાદી અપડેટ કરવામાં આવશે, જેમાં નવા નામ ઉમેરવામાં આવશે અને પહેલેથી નોંધાયેલી માહિતીમાં ભૂલો સુધારવામાં આવશે.
1 જાન્યુઆરી 2027 સુધીમાં 18 વર્ષની ઉંમર પૂરી કરનારા યુવાનો પણ મતદાર યાદીમાં પોતાનું નામ નોંધાવવા માટે અરજી કરી શકશે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, 1 એપ્રિલ, 1 જુલાઈ અને 1 ઓક્ટોબર 2027ના રોજ 18 વર્ષ પૂર્ણ કરનારા યુવાનો પણ અગાઉથી અરજી કરી શકે છે.
આ આદેશ સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન (SIR)ને લઈને વિવાદ અને વિરોધ વચ્ચે આવ્યો છે. SIR દરમિયાન 20 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં લગભગ 13 કરોડ નામ મતદાર યાદીમાંથી હટાવવામાં આવ્યા છે. ચૂંટણી પંચે સ્પષ્ટ કર્યું છે કે જે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં SIR ચાલી રહ્યું છે અથવા તાજેતરમાં પૂર્ણ થયું છે, ત્યાં SSRનું શેડ્યૂલ પછીથી જાહેર કરવામાં આવશે.
SSRનો મુખ્ય ઉદ્દેશ મતદાર યાદીમાં પાત્ર લોકોનાં નામ ઉમેરવાનો, અગાઉથી નોંધાયેલી માહિતીમાં થયેલી ભૂલો સુધારવાનો અને યાદીને અપડેટ રાખવાનો છે. તેમાં ખાસ કરીને યુવાનો અને પહેલીવાર મતદાન કરનારા લોકોને સામેલ કરવા પર ભાર મૂકવામાં આવશે.
ચૂંટણી પંચે SSR માટે તારીખો નક્કી કરી છે. 2 નવેમ્બર 2026 સુધીમાં મતદાન મથકોની વ્યવસ્થામાં જરૂરી ફેરફારો કરવામાં આવશે. ત્યારબાદ 12 નવેમ્બરે મતદાર યાદીની ડ્રાફ્ટ કોપી જાહેર થશે. ડ્રાફ્ટ લિસ્ટમાં નામ અથવા માહિતી અંગે 12 નવેમ્બરથી 11 ડિસેમ્બર સુધી દાવાઓ અને વાંધાઓ નોંધાવી શકાશે. એનો નિકાલ 28 ડિસેમ્બર સુધીમાં કરવામાં આવશે. ત્યારબાદ 4 જાન્યુઆરી 2027ના રોજ મતદાર યાદીની આખરી સૂચિ જાહેર થશે.
SSRની પ્રક્રિયા એવા સમયે ચાલી રહી છે, જ્યારે ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, મણિપુર અને ગોવામાં 2027માં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આ પાંચેય રાજ્યોમાં પણ SSRના નિર્દેશ આપવામાં આવ્યા છે. ઉત્તર પ્રદેશની 403 બેઠકો ધરાવતી વિધાનસભાનો કાર્યકાળ 22 મે 2027ના રોજ સમાપ્ત થશે. મણિપુરની 60, ગોવાની 40, પંજાબની 117 અને ઉત્તરાખંડની 70 બેઠકો ધરાવતી વિધાનસભાઓનો કાર્યકાળ માર્ચ 2027માં અલગ-અલગ તારીખે સમાપ્ત થશે. લોક પ્રતિનિધિત્વ અધિનિયમ, 1950 હેઠળ ચૂંટણી પંચ વિધાનસભાનો કાર્યકાળ સમાપ્ત થવાના 6 મહિના પહેલાં પણ ચૂંટણી યોજી શકે છે.
ચૂંટણી પંચે મતદાન મથકોની સંખ્યા અને તેમના સ્થળોની સમીક્ષા કરવાના નિર્દેશ આપ્યા છે. સામાન્ય રીતે એક મતદાન મથક પર 1,200થી વધુ મતદારો હોવા જોઈએ નહીં. જરૂર પડ્યે નવા મતદાન મથકો બનાવવામાં આવી શકે છે. અધિકારીઓને મતદાન મથકોનું નિરીક્ષણ કરવા અને એ સુનિશ્ચિત કરવા કહેવામાં આવ્યું છે કે મતદાતાઓને ત્યાં પહોંચવા માટે બે કિલોમીટરથી વધુ અંતર કાપવું ન પડે. હાઇરાઇઝ સોસાયટીઓ, રહેણાંક કોલોનીઓ અને શહેરી ઝૂંપડપટ્ટીઓમાં પણ નવા મતદાન મથકોની જરૂરિયાતનું આકલન કરવામાં આવશે.
ચૂંટણી પંચે જણાવ્યું છે કે જે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં SIRની પ્રક્રિયા ચાલી રહી છે અથવા તાજેતરમાં પૂર્ણ થઈ છે, ત્યાં SSRનો કાર્યક્રમ પછીથી જાહેર કરવામાં આવશે. આમાં આંધ્ર પ્રદેશ, અરુણાચલ પ્રદેશ, ચંદીગઢ, દાદરા અને નગર હવેલી, દમણ અને દીવ, હરિયાણા, ઝારખંડ, કર્ણાટક, મહારાષ્ટ્ર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, દિલ્હી, ઓડિશા, સિક્કિમ, ત્રિપુરા અને તેલંગાણા સામેલ છે.