સત્ય. સાહસ. સંકલ્પ.

ચૂંટણી પંચનો મોટો નિર્ણય: 5 રાજ્યોમાં અધિકારીઓની બદલીને આદેશ

ચૂંટણી પંચનો મોટો નિર્ણય: 5 રાજ્યોમાં અધિકારીઓની બદલીને આદેશ

આગામી વિધાનસભા ચૂંટણી પહેલાં ચૂંટણી પંચે ગોવા, મણિપુર, પંજાબ, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડના મુખ્ય સચિવોને પત્ર લખીને વહીવટી તંત્રમાં મોટા ફેરબદલનો આદેશ આપ્યો છે. જે અધિકારીઓ છેલ્લા ચાર વર્ષમાં એક જ જિલ્લામાં ત્રણ વર્ષ કે તેથી વધુ સમયથી ફરજ બજાવી રહ્યા છે અથવા પોતાના ગૃહ જિલ્લામાં પોસ્ટેડ છે, તેમની 30 નવેમ્બર સુધીમાં બદલી કરવાની સૂચના આપવામાં આવી છે. આ પગલું નિષ્પક્ષ ચૂંટણી સુનિશ્ચિત કરવા માટે લેવાયું છે.

ચૂંટણી પંચના આદેશ મુજબ, જિલ્લા વહીવટી અધિકારીઓ (ડેપ્યુટી કલેક્ટર, એસડીએમ), પોલીસ અધિકારીઓ (ડીએસપી, પીઆઇ) તથા પરિવહન, દારૂબંધી અને આબકારી વિભાગના અધિકારીઓની બદલી કરવામાં આવશે. આ તમામ અધિકારીઓ ચૂંટણી કામગીરી સાથે સીધા જોડાયેલા છે.

ચૂંટણી પંચનું માનવું છે કે લાંબા સમય સુધી એક જ જિલ્લામાં ફરજ બજાવતા અધિકારીના સ્થાનિક સંપર્કો અને પ્રભાવ વધી જાય છે, જેનાથી ચૂંટણી પ્રક્રિયાની નિષ્પક્ષતા પર અસર પડી શકે છે. તેથી ચૂંટણી ભયમુક્ત, નિષ્પક્ષ અને પારદર્શક વાતાવરણમાં યોજાય તે માટે આ નિયમિત પ્રક્રિયા છે. તમામ રાજ્યોએ 30 નવેમ્બર સુધીમાં પોતાનો રિપોર્ટ ચૂંટણી પંચને સોંપવાનો રહેશે.