સત્ય. સાહસ. સંકલ્પ.

SIR વિવાદ વચ્ચે ચૂંટણી પંચના બે મોટા નિર્ણય: 17 રાજ્યોમાં નવા મતદારોની નોંધણી શરૂ, મશીન-રીડેબલ મતદારયાદી પણ અપાશે

SIR વિવાદ વચ્ચે ચૂંટણી પંચના બે મોટા નિર્ણય: 17 રાજ્યોમાં નવા મતદારોની નોંધણી શરૂ, મશીન-રીડેબલ મતદારયાદી પણ અપાશે

નવી દિલ્હી: સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયા સામે દેશભરમાં ભારે વિરોધ પ્રદર્શનો અને રાજકીય દબાણ વચ્ચે ભારતના ચૂંટણી પંચે બે મહત્વના નિર્ણય લીધા છે. પંચે 17 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં નવા મતદારોની નોંધણી માટે સ્પેશિયલ સમરી રિવિઝન (SSR) શરૂ કરવાની જાહેરાત કરી છે. સાથે જ રાજકીય પક્ષોને મતદારયાદીની મશીન-રીડેબલ PDF સોફ્ટ કોપી આપવાની ખાતરી પણ આપી છે.

મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર અને ચૂંટણી પંચ સામે વિપક્ષી પક્ષો, ખાસ કરીને કોંગ્રેસ દ્વારા ચાલી રહેલા વિરોધ પ્રદર્શનો વચ્ચે આ નિર્ણય લેવામાં આવ્યો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી. ચિદંબરમે ટ્વીટ કરીને કહ્યું કે, સુપ્રીમ કોર્ટની નોટિસ અને દેશવ્યાપી વિરોધ બાદ ચૂંટણી પંચને સમજ આવી છે. તેમણે આરોપ લગાવ્યો કે કરોડો નામો ગેરકાયદેસર રીતે દૂર કર્યા બાદ હવે બાકી રહેલા મતદારોને ઉમેરવાની કસરત કરવામાં આવી રહી છે.

SSR એટલે શું? SIR પ્રક્રિયા ચાલુ હોવાને કારણે ચૂંટણી પંચે દર વર્ષે યોજાતી નિયમિત SSR પ્રક્રિયા રોકી દીધી હતી. જેના કારણે 18 વર્ષ પૂર્ણ કરનારા નવા યુવા મતદારો પોતાનું નામ મતદારયાદીમાં નોંધાવી શક્યા નહોતા. આ મુદ્દે લોકોમાં ભારે અસંતોષ હતો. SIR અને SSR વચ્ચેનો તફાવત એ છે કે SIRમાં નાગરિકત્વના દસ્તાવેજો અને જૂની યાદીઓ સાથે મેપિંગ કરવું પડે છે, જ્યારે SSR એ સામાન્ય વાર્ષિક પ્રક્રિયા છે જેમાં નવા મતદારો સીધા નામ ઉમેરી શકે છે. તેમાં ઘરે-ઘરે તપાસ કે દસ્તાવેજી મેપિંગની જરૂર નથી.

ચૂંટણી પંચ હવે ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ અને પંજાબ સહિત 17 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં SSR શરૂ કરશે. જોકે, SIR દરમિયાન જે 13 કરોડ લોકોના નામ યાદીમાંથી કાઢી નાખવામાં આવ્યા છે, તેઓ આપોઆપ આ નવી યાદીમાં ઉમેરાશે નહીં. તેમને અલગથી પ્રક્રિયા કરવી પડશે.

બીજો મહત્વનો નિર્ણય એ છે કે ચૂંટણી પંચ હવે રાજકીય પક્ષોને મતદારયાદીની મશીન-રીડેબલ PDF સોફ્ટ કોપી પૂરી પાડશે. અગાઉ પંચ માત્ર સ્કેન કરેલી અથવા ઇમેજ-ઓન્લી PDF આપતું હતું, જેમાં નામ સર્ચ કે કોપી કરવું શક્ય નહોતું. કોંગ્રેસે 2018માં આ માંગણી ઉઠાવી હતી અને કમલનાથે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. 2025માં રાહુલ ગાંધીએ 'વોટ ચોરી' અભિયાન દરમિયાન આ મુદ્દો ફરી ઉઠાવ્યો હતો. ગોપનીયતા અને ડેટા સુરક્ષાના કારણ આપીને ઇનકાર કરનાર પંચે હવે વલણ બદલ્યું છે. દરેક પોલિંગ સ્ટેશનની ડ્રાફ્ટ અને ફાઇનલ મતદારયાદીની ડિજિટલ કોપી મળવાથી રાજકીય પક્ષો માટે બોગસ કે ડુપ્લિકેટ મતદારો ઓળખવાનું સરળ બનશે.