દેશમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)ની પ્રક્રિયા બાદ મતદાર યાદીમાંથી 13.3 કરોડ નામો કપાયા છે. હવે ચૂંટણી પંચે આ નામો ફરી ઉમેરવા માટે મોટું અભિયાન શરૂ કર્યું છે. પંચે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય ચૂંટણી અધિકારીઓ (CEO)ને આદેશ આપ્યો છે કે જ્યાં SIR પૂર્ણ થઈ ગઈ છે ત્યાં પૂર્વ-SIR યાદીની વર્તમાન યાદી સાથે સરખામણી કરવામાં આવે.
ચૂંટણી પંચના જણાવ્યા મુજબ, જે યોગ્ય મતદારોના નામ યાદીમાંથી છૂટી ગયા છે, તેમને આગામી એક મહિનાની અંદર ફરીથી યાદીમાં સામેલ કરવામાં આવશે. આ કામગીરી માટે બૂથ લેવલ ઓફિસર્સ (BLO) ઘર-ઘર જશે.
BLO દરેક ઘરે જઈને સંબંધિત નાગરિકની વર્તમાન સ્થિતિની ચકાસણી કરશે. જો વ્યક્તિ મતદાર બનવા પાત્ર હશે, તો ફોર્મ 6 ભરાવીને તેમનું નામ યાદીમાં ઉમેરવાની પ્રક્રિયા પૂરી કરાવશે. ચૂંટણી પંચના પત્ર અનુસાર, BLO દર અઠવાડિયે ઓછામાં ઓછા 20થી 25 મતદારોના ઘરો આવરી લેશે, જેથી આખી પ્રક્રિયા એક મહિનામાં પૂરી થાય.
નાગરિકો સરળતાથી અરજી કરી શકે તે માટે બૂથ લેવલ કેમ્પ્સ પણ યોજાશે. ઉપરાંત, નાઈટ શેલ્ટર, મજૂર વસાહતો તથા બેઘર અને હાંસિયામાં ધકેલાયેલા લોકો માટે વિશેષ શિબિરો યોજાશે, જેથી કોઈ પાત્ર મતદાર વંચિત ન રહે.
ઉલ્લેખનીય છે કે 26 સપ્ટેમ્બરની બેઠકમાં ચૂંટણી પંચે નવા મતદારોની નોંધણી માટે વિશેષ અભિયાનની જાહેરાત કરી હતી. પંચનું કહેવું છે કે મતદાર નોંધણી સતત ચાલતી પ્રક્રિયા છે અને જે વ્યક્તિનું નામ યાદીમાં નથી, તે ગમે ત્યારે અરજી કરી શકે છે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય છૂટી ગયેલા યોગ્ય મતદારોને શોધીને યાદીમાં જોડવાનો છે.