સત્ય. સાહસ. સંકલ્પ.

SIR યાદીમાં VIP નામો: જયશંકર, અડવાણી, કેજરીવાલને ચૂંટણી પંચની નોટિસ

SIR યાદીમાં VIP નામો: જયશંકર, અડવાણી, કેજરીવાલને ચૂંટણી પંચની નોટિસ

દેશભરમાં ચાલી રહેલી ચૂંટણી પંચની સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) ઝુંબેશ દરમિયાન અનેક જાણીતા નેતાઓ, વરિષ્ઠ અધિકારીઓ અને જાહેર હસ્તીઓને ચૂંટણી પંચ દ્વારા નોટિસ મોકલવામાં આવી છે. આ યાદીમાં વિદેશ મંત્રી એસ. જયશંકર, ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી, કોંગ્રેસના નેતા કપિલ સિબ્બલ અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સહિત અનેક લોકોના નામ સામે આવ્યા છે. આ સાથે ચૂંટણી કમિશનર સહિતના અન્ય VIP નામો પણ યાદીમાં છે.

આ નોટિસ મતદાર યાદીમાં સ્પેલિંગની ભૂલો, જૂના રેકોર્ડ સાથે વિસંગતતા અને ડેટા મેચ ન થવાના કારણે મોકલવામાં આવી છે. ચૂંટણી પંચે સ્પષ્ટ કર્યું છે કે નોટિસનો અર્થ નામ કાઢી નાખવું નથી, પરંતુ માહિતીની ખરાઈ કરાવવાનો છે. સામાન્ય નાગરિકોની જેમ જ જાણીતા લોકોના રેકોર્ડની પણ ઝીણવટભરી ચકાસણી કરવામાં આવી રહી છે.

SIR નોટિસ મેળવનાર વ્યક્તિઓમાં એસ. જયશંકર, તેમના પત્ની કે. એસ. જયશંકર, વિદેશ સચિવ વિક્રમ મિસરી, કપિલ સિબ્બલ, લાલકૃષ્ણ અડવાણી, તેમના પુત્રી પ્રતિભા અડવાણી, અભિષેક મનુ સિંહવી અને અરવિંદ કેજરીવાલ તેમજ તેમના પરિવારના સભ્યોના નામ સામેલ છે.

ચૂંટણી પંચના રેકોર્ડ મુજબ, કેટલાક જાણીતા નામોના સ્પેલિંગમાં અગાઉના દસ્તાવેજોની સરખામણીએ તફાવત જોવા મળ્યો છે. આ ઉપરાંત કેટલાક વરિષ્ઠ મહાનુભાવોના કિસ્સામાં જૂના ડેટાબેઝ સાથે હાલના રેકોર્ડનું સીધું મેચિંગ ન થવું અથવા તાર્કિક વિસંગતતા જેવી બાબતો સામે આવી છે. આ કારણોસર ચૂંટણી પંચ દ્વારા દસ્તાવેજી સ્પષ્ટતા અને ખરાઈ માટે નિયમ મુજબ નોટિસની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

ચૂંટણી પંચે સ્પષ્ટ કર્યું છે કે નોટિસ મળવાનો અર્થ એવો બિલકુલ નથી કે કોઈ વ્યક્તિનું નામ કાઢી નાખવામાં આવ્યું છે અથવા તેઓ અયોગ્ય ઠર્યા છે. SIR દરમિયાન મતદાર રેકોર્ડની ચકાસણી કરવામાં આવે છે, જેમાં માત્ર માહિતીની ખરાઈ કરવામાં આવે છે. સંબંધિત વ્યક્તિઓ જરૂરી પુરાવા અને દસ્તાવેજો રજૂ કરીને પોતાના ડેટાને અપડેટ કરાવી શકે છે.