નવી દિલ્હી: સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)ને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે ચૂંટણી પંચે શનિવારે દિલ્હીમાં મહત્વનો નિર્ણય લીધો છે. પંચે જણાવ્યું કે SIRમાં જેમના નામ મતદાર યાદીમાંથી કપાઈ ગયા છે, તેઓ ફોર્મ-6 ભરીને નામ ફરી ઉમેરાવવા અરજી કરી શકે છે. આ પ્રક્રિયામાં અધિકારીઓ ઘરે-ઘરે જઈને તેમના દસ્તાવેજો એકત્રિત કરશે અને ચૂંટણી પંચની વેબસાઇટ પર અપલોડ કરશે. ત્યારબાદ નિર્ધારિત સમયમર્યાદામાં પ્રાદેશિક ચૂંટણી અધિકારી નિર્ણય લેશે.
આ બેઠકમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર અને બંને ચૂંટણી કમિશનર ડૉ. સુખબીર સિંહ સંધૂ તથા ડૉ. વિવેક જોશી હાજર રહ્યા હતા.
ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર SIR દરમિયાન અત્યાર સુધીમાં 30 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની ડ્રાફ્ટ મતદાર યાદીમાંથી 13.37 કરોડ નામો ઘટ્યા છે. દેશમાં કુલ 96.88 કરોડથી વધુ મતદારો છે, એટલે કે આશરે 14.1 ટકા મતદારોના નામ SIRમાં કપાઈ ગયા છે.
દિલ્હી-મહારાષ્ટ્રમાં 30 ઓક્ટોબર સુધી દાવા
બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો કે દિલ્હી અને મહારાષ્ટ્રમાં દાવા અને વાંધા દાખલ કરવાની તારીખ 30 ઓક્ટોબર 2026 સુધી લંબાવવામાં આવી છે. દિલ્હીમાં વિવાદનો નિકાલ 30 નવેમ્બર સુધી અને મહારાષ્ટ્રમાં 10 નવેમ્બર સુધી કરવાનો રહેશે. ગોવામાં જે મતદારોનાં નામ યાદીમાં રહી ગયાં છે, ત્યાં બ્લોક અધિકારી ઘરે-ઘરે જઈને ફોર્મ-6 એકત્રિત કરશે.
પંચે કહ્યું કે ફોર્મ-6 અંગે કોઈ વિવાદ નથી. ફોર્મ-6ને સુપ્રીમ કોર્ટે યથાવત રાખ્યું છે.
SIR વિવાદ અને કોંગ્રેસનું પ્રદર્શન
SIRને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે કોંગ્રેસે શુક્રવારે દેશભરમાં પ્રદર્શન કર્યું. ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે બે ચૂંટણી કમિશનરોએ છેલ્લા 10 મહિનામાં ચૂંટણી પંચના નિર્ણયો સામે 14 વખત વાંધો ઉઠાવ્યો, પરંતુ તેમની કોઈ સુનાવણી કરવામાં આવી નહીં.
કોંગ્રેસનો આરોપ છે કે જ્ઞાનેશ કુમાર ચૂંટણી પંચમાં મનમાની કરી રહ્યા છે અને અન્ય બે કમિશનરોની વાત સાંભળી રહ્યા નથી. કોંગ્રેસે જ્ઞાનેશ કુમારને હટાવવા અને તેમની ધરપકડની માગ કરી છે.
ચૂંટણી સાથે જોડાયેલા કેટલાક આદેશો અને કથિત સોફ્ટવેર ફેરફારોને લઈને સુપ્રીમ કોર્ટમાં પણ અરજી દાખલ કરવામાં આવી છે.
બે ચૂંટણી કમિશનરોએ ઉઠાવ્યા ચાર મોટા સવાલ
1. ફોર્મ-6માં ફેરફાર: નવા મતદારો પાસેથી અગાઉની SIR યાદીમાં પોતાનું કે પરિવારના સભ્યોનાં નામની માહિતી માંગવા અંગે બંને કમિશનરોએ સવાલ ઉઠાવ્યો. સંધૂએ તેને ગેરકાયદેસર ગણાવીને દૂર કરવાની માગ કરી.
2. મતદાર ડેટા પર નિયંત્રણ: બંનેએ સવાલ કર્યો કે મતદાર ડેટાબેઝ પરનું નિયંત્રણ દિલ્હીમાં શા માટે વધી રહ્યું છે અને રાજ્યોની પહોંચ શા માટે મર્યાદિત થઈ રહી છે.
3. બંગાળમાં 16 લાખ અપીલ: સંધૂએ પૂછ્યું કે દૂર કરવામાં આવેલા નામોને લઈને આશરે 16 લાખ અપીલ કોણે અને કોની મંજૂરીથી દાખલ કરી.
4. ગોવાના 97 મતદારો: તપાસમાં યોગ્ય ઠરેલા 97 મતદારોને સોફ્ટવેરની સમસ્યાને કારણે અંતિમ યાદીમાં સામેલ કરી શકાયા નહીં.
રાહુલ ગાંધીનો આરોપ
રાહુલ ગાંધીએ ગુરુવારે ચૂંટણી પંચ, SIR અને મતદાર યાદી સાથે જોડાયેલા વિવાદો પર 55 મિનિટ સુધી પ્રેસ કોન્ફરન્સ કરી. તેમણે મત ચોરીના મામલે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને દેશદ્રોહી કહ્યા. રાહુલે કહ્યું, "જ્ઞાનેશે મત ચોરી કરી છે. મેં તેમની નિમણૂકનો વિરોધ કર્યો હતો, પરંતુ સરકારે તેમને કાયદાથી ઉપર કરી દીધા."
રાહુલે કહ્યું, "ભારતમાં દરેક સરકાર વિરુદ્ધ એન્ટી-ઇન્કમ્બન્સી હોય છે. બાંગ્લાદેશ યુદ્ધ જીત્યા બાદ પણ ઇન્દિરા ગાંધી હારી ગયાં હતાં, તો પછી ભાજપ સાથે આવું કેમ ન થયું? તેનું કારણ જ્ઞાનેશ કુમાર છે. લોકસભા અને વિધાનસભા ચૂંટણીમાં ગેરરીતિ કરી, જેના કારણે મોદી-શાહ વિરુદ્ધ એન્ટી-ઇન્કમ્બન્સી આવી નહીં."
રાહુલે 2025માં SIR પર ત્રણ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. ત્યારે તેમણે ચૂંટણી પંચ પર મત ચોરીનો આરોપ લગાવ્યો હતો અને પંચને સરકારની 'B ટીમ' કહ્યું હતું.
પોતાના આરોપ અંગે પૂછાયેલા સવાલના જવાબમાં રાહુલે કહ્યું કે જ્યારે તેમની ઉંમર 7 વર્ષ હતી, 1977માં ઇન્દિરા ગાંધી વડાપ્રધાન હતાં. દરેક વ્યક્તિ જાણતી હતી, ખુદ તેમને પણ ખબર હતી કે તેઓ હારી જશે. તેમણે કહ્યું કે અનુભવ થઈ જાય છે કે તમે હારી જશો. તમારી લાગણી એક વખત ખોટી હોઈ શકે, બે વખત ખોટી ન હોઈ શકે. બે-ત્રણ ચૂંટણી એવી હતી જ્યારે અમે ટેકનિકલી જોઈ રહ્યા હતા. ધીમે-ધીમે શંકા વધવા લાગી.