સત્ય. સાહસ. સંકલ્પ.

ચૂંટણી પંચ પર આરોપો મુદ્દે સ્મૃતિ ઈરાની અને રાહુલ ગાંધી વચ્ચે શબ્દયુદ્ધ

ચૂંટણી પંચ પર આરોપો મુદ્દે સ્મૃતિ ઈરાની અને રાહુલ ગાંધી વચ્ચે શબ્દયુદ્ધ

નવી દિલ્હી: ચૂંટણી પંચની કામગીરી અંગે કોંગ્રેસ દ્વારા લગાવવામાં આવેલા આક્ષેપો સામે ભારતીય જનતા પાર્ટીએ પોતાનો જવાબ આપ્યો છે. કોંગ્રેસ કાર્યકારી સમિતિ (CWC)ની બેઠકમાં રાહુલ ગાંધીએ 2024ની લોકસભા ચૂંટણીમાં કથિત ગેરરીતિ અને વોટ ચોરીનો આરોપ લગાવ્યો હતો. તેમણે વડાપ્રધાન અને ગૃહમંત્રીના રાજીનામાની માંગ પણ કરી હતી.

આ આરોપો સામે ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ સ્મૃતિ ઈરાનીએ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, ભારતના લોકો કોંગ્રેસને સમર્થન નથી આપી રહ્યા, તેથી પોતાની હારનું આત્મમંથન કરવાને બદલે પક્ષ ચૂંટણી પંચ પર પ્રહારો કરી રહ્યો છે.

મતદાર યાદીના વિવાદ અંગે ઈરાનીએ કોંગ્રેસને પ્રશ્ન કર્યો હતો. તેમણે કહ્યું કે, કોંગ્રેસના નેતૃત્વએ 13 કરોડ 30 લાખ નામોનો ઉલ્લેખ કર્યો છે, જે અંગે ચૂંટણી પંચ પહેલેથી જ ખુલાસો કરી ચૂક્યું છે. જો મતદાર યાદીમાં કોઈ મૃત વ્યક્તિનું નામ હોય કે કોઈ નામ બે વખત નોંધાયેલું હોય, તો કોંગ્રેસ એવા નામોને યાદીમાં કેમ ચાલુ રાખવા માંગે છે? તેમણે ઉમેર્યું કે, ચૂંટણી પંચે સ્પષ્ટ કરી દીધું છે કે BLO ઘરે-ઘરે જઈને દસ્તાવેજો ચકાસીને ખરાઈ કરશે. છતાં કોંગ્રેસનું નેતૃત્વ ઈચ્છે છે કે મૃત વ્યક્તિઓના નામ પણ યાદીમાં યથાવત રહે.

લાહોર અધિવેશનનો ઉલ્લેખ કરવા અંગે ઈરાનીએ કહ્યું કે, જો કોંગ્રેસ ઈતિહાસના પાના પલટાવવા માંગતી હોય તો તેણે એ પાનું પણ દેશ સામે રજૂ કરવું જોઈએ, જેમાં બ્રિટિશ સામ્રાજ્યના સેક્રેટરી રહેલા એ.ઓ. હ્યુમે વાઈસરોય સમક્ષ સૂચન મૂક્યું હતું કે, બ્રિટિશ શાસનનું રક્ષણ કરવું હોય તો એક રાજકીય સંગઠન તરીકે કોંગ્રેસની સ્થાપના થવી જોઈએ. તેમણે આ ટિપ્પણીને શરમજનક ગણાવી.

ચૂંટણી પંચની વિશ્વસનીયતા અંગે ઈરાનીએ કહ્યું કે, 2019માં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની છબી ખરાબ કરવાની વાત કરી હતી. ત્યારે પીએમ મોદીએ કહ્યું હતું કે, તેમના પર હુમલો કરો, પરંતુ દેશની લોકશાહી અને બંધારણીય સંસ્થાઓ પર પ્રહાર ન કરો. તેમણે પ્રશ્ન કર્યો કે, હિમાચલ પ્રદેશ, પંજાબ, કેરળ અને કર્ણાટક જેવા રાજ્યોમાં જ્યાં ભાજપની સરકાર નથી, ત્યાં શું કોંગ્રેસ ચૂંટણી પંચને ક્લીનચીટ આપી રહી છે?

ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધીએ CWCની બેઠકમાં દાવો કર્યો હતો કે 2024ની લોકસભા ચૂંટણી સંપૂર્ણપણે બોગસ હતી અને EVM તથા મતદાર યાદીમાં ગોટાળા કરીને પરિણામો પ્રભાવિત કરવામાં આવ્યા હતા. કોંગ્રેસે SIRની પ્રક્રિયા તાત્કાલિક અટકાવવા અને યાદીમાંથી દૂર કરાયેલા 13.30 કરોડ મતદારોના નામ ફરી જોડવાની માંગ કરી છે. આ મામલે રાહુલ ગાંધીએ અન્ય વિપક્ષી પક્ષોને સાથે લઈને આગળ વધવાની વાત કરી છે.