સત્ય. સાહસ. સંકલ્પ.

ચૂંટણી પંચનો દાવો: વિપક્ષી સાંસદોએ મુલાકાત માટે સત્તાવાર સમય માંગ્યો નથી

ચૂંટણી પંચનો દાવો: વિપક્ષી સાંસદોએ મુલાકાત માટે સત્તાવાર સમય માંગ્યો નથી

નવી દિલ્હી: INDIA ગઠબંધનના નેતાઓએ આજે ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામે વિરોધ પ્રદર્શન કર્યું. વિપક્ષી નેતાઓ આકાશવાણી ભવન બહાર ધરણા પર બેઠા હતા. તેમની માંગ હતી કે ચૂંટણી કમિશનરને મળીને SIR વિવાદ અંગે આવેદનપત્ર આપવું.

આ દરમિયાન ચૂંટણી પંચે એક પ્રેસ નોટ બહાર પાડીને સ્પષ્ટતા કરી છે કે વિપક્ષ તરફથી મુલાકાત માટે નિયમ મુજબ કોઈ સત્તાવાર વિનંતી કરવામાં આવી નહોતી.

પંચના જણાવ્યા મુજબ, વિરોધ માર્ચ અને મીડિયા રિપોર્ટ્સ દ્વારા જાણવા મળ્યું હતું કે કેટલાક સાંસદો પંચને મળવા માંગે છે. પરંતુ આજે સાંજે 4:00 વાગ્યા સુધી કોઈપણ પક્ષ કે પ્રતિનિધિમંડળે મુલાકાત માટે સમય માંગ્યો નહોતો. ત્યારબાદ સાંજે આશરે 4:00 વાગ્યે દિલ્હી પોલીસ મારફતે જાણ થઈ કે વિપક્ષના નેતા રાહુલ ગાંધીની આગેવાનીમાં સાંસદોનું એક જૂથ ચૂંટણી પંચને મળીને આવેદનપત્ર આપવા માંગે છે.

ચૂંટણી પંચે સ્પષ્ટ કર્યું કે વર્ષ 2025માં રાજકીય પક્ષો સાથેની બેઠકો માટે એક ચોક્કસ પ્રક્રિયા નક્કી કરવામાં આવી હતી, જેની જાણ તમામ પક્ષોને અગાઉથી કરી દેવામાં આવી છે. નિયમ મુજબ, જ્યારે પણ કોઈ પક્ષ કે સંયુક્ત પ્રતિનિધિમંડળ ચૂંટણી પંચને મળવા માંગતું હોય, ત્યારે અધિકૃત પ્રતિનિધિ દ્વારા પહેલાથી સમય માંગવો પડે છે અને મુલાકાતનો હેતુ સ્પષ્ટ કરવો પડે છે.

જ્યારે ચૂંટણી પંચ સાંજે 4:00 વાગ્યા પછી સાંસદોના આ પ્રસ્તાવ પર વિચાર કરી રહ્યું હતું, ત્યારે દિલ્હી પોલીસના DCP મારફતે નવી વિગત સામે આવી કે આ બેઠક અંદાજે 240 સાંસદો સાથે થવાની છે. આ ઉપરાંત બેઠક માટે સંસદ ભવનનું 'એનેક્સી' ભવન નક્કી કરવામાં આવ્યું હતું. ચૂંટણી પંચે આ માંગણીને અત્યંત અસામાન્ય ગણાવી હતી, કારણ કે આવા પ્રસ્તાવ સંસદ ભવન તરફથી આવવા જોઈએ અને નિયમ પ્રમાણે આવી તમામ સત્તાવાર બેઠકો ચૂંટણી પંચની પોતાની કચેરીમાં જ યોજાતી હોય છે.

ચૂંટણી પંચે એવો પ્રસ્તાવ પણ મૂક્યો હતો કે સાંસદોનું આવેદનપત્ર સ્વીકારવા માટે પંચના સૌથી વરિષ્ઠ અધિકારીને તે સ્થળે મોકલી શકાય છે. જોકે, વિરોધ પ્રદર્શન કરી રહેલા સાંસદોએ આ દરખાસ્ત પણ ફગાવી દીધી હતી.

ચૂંટણી પંચે અંતમાં જણાવ્યું કે તેઓ દેશની સંસદીય વ્યવસ્થા, લોકશાહી પ્રક્રિયાઓ અને પોતાના પ્રોટોકોલનું સંપૂર્ણ સન્માન કરે છે. કોઈપણ રાજકીય પક્ષ નિયત પ્રક્રિયા મુજબ મુલાકાતનો સમય માંગી શકે છે અને પંચ પોતાના શેડ્યૂલ મુજબ સમય ફાળવવા તૈયાર રહે છે.