સત્ય. સાહસ. સંકલ્પ.

ચૂંટણી પંચમાં મોટી ઉથલપાથલ: CEC જ્ઞાનેશ કુમારના કાર્યકાળમાં 20 મહિનામાં 18-20 મુખ્ય ચૂંટણી અધિકારીઓની બદલી

ચૂંટણી પંચમાં મોટી ઉથલપાથલ: CEC જ્ઞાનેશ કુમારના કાર્યકાળમાં 20 મહિનામાં 18-20 મુખ્ય ચૂંટણી અધિકારીઓની બદલી

મતદાર યાદીના SIR (સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન) મુદ્દે દેશભરમાં રાજકીય ઘમાસાણ વચ્ચે ચૂંટણી પંચમાં મોટાપાયે વહીવટી ફેરબદલ જોવા મળી છે. વર્ષ 2025 અને 2026 દરમિયાન રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના આશરે 18થી 20 મુખ્ય ચૂંટણી અધિકારીઓ (CEO)ની બદલી કરવામાં આવી છે.

મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે ફેબ્રુઆરી 2025માં પદભાર સંભાળ્યો હતો. ત્યારબાદના 20 મહિનામાં થયેલી આ બદલીઓને ટૂંકા ગાળામાં અધિકારીઓની ફેરબદલીની સૌથી મોટી કવાયતોમાંની એક ગણવામાં આવી રહી છે. એક અહેવાલ મુજબ, આ સમયગાળા દરમિયાન મુખ્ય ચૂંટણી અધિકારીઓ ઉપરાંત ચૂંટણી પંચના વરિષ્ઠ અધિકારીઓ, ખાસ કરીને નાયબ ચૂંટણી કમિશનરો (DEC)ના સ્તરે પણ અનેક મહત્ત્વપૂર્ણ ફેરફારો થયા છે.

આંકડાઓ પ્રમાણે, ફેબ્રુઆરી 2025થી અત્યાર સુધીમાં આશરે 18થી 20 મુખ્ય ચૂંટણી અધિકારીઓની બદલી થઈ છે. તે પહેલાં, મે 2022થી ફેબ્રુઆરી 2025 સુધી ભૂતપૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારના આશરે 33 મહિનાના કાર્યકાળ દરમિયાન લગભગ 23 મુખ્ય ચૂંટણી અધિકારીઓની બદલી કરવામાં આવી હતી. આ સમયગાળામાં 2024ની લોકસભા ચૂંટણી પણ યોજાઈ હતી. તે પહેલાંના 41 મહિનામાં, મુખ્ય ચૂંટણી કમિશનર સુનીલ અરોરા અને સુશીલ ચંદ્રાના કાર્યકાળ દરમિયાન આશરે 29 મુખ્ય ચૂંટણી અધિકારીઓની બદલી થઈ હતી. આ સમયગાળામાં પણ લોકસભાની ચૂંટણી યોજાઈ હતી.

અહેવાલ મુજબ, લોકસભા ચૂંટણી દરમિયાન મુખ્ય ચૂંટણી અધિકારીઓની બદલી થવી સામાન્ય બાબત છે. જો કે, 2025 અને 2026માં અધિકારીઓની ફેરબદલીની પ્રક્રિયા વધુ ઝડપી રહી હોવાનું જણાવાયું છે.

વહીવટી કામગીરીમાં સાતત્ય જાળવવા માટે ચૂંટણી પંચ સામાન્ય રીતે મુખ્ય ચૂંટણી અધિકારીને ઓછામાં ઓછા ત્રણ વર્ષ સુધી પદ પર રાખે છે. જો કે, ઉપલબ્ધ આંકડા પ્રમાણે, તાજેતરની ફેરબદલીમાં ઓછામાં ઓછા સાત અધિકારીઓએ આ પદ પર બે વર્ષથી પણ ઓછો સમય વિતાવ્યો હતો. વર્ષ 2025માં આઠથી નવ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય ચૂંટણી અધિકારીઓ બદલવામાં આવ્યા હતા, જ્યારે 2026માં અત્યાર સુધીમાં ઓછામાં ઓછી વધુ 10 બદલીઓ થઈ હોવાનું અહેવાલમાં જણાવાયું છે.