બેંગલુરુમાં 92 વર્ષીય ભારત રત્ન વિજેતા વૈજ્ઞાનિક પ્રોફેસર સી.એન.આર. રાવને ચૂંટણી પંચે નોટિસ ફટકારી છે. મતદારયાદીમાં તેમના નામના સ્પેલિંગમાં ભૂલ હોવાથી, તેમને ઓળખ સાબિત કરવા રૂબરૂ હાજર રહેવા જણાવાયું છે.
પ્રોફેસર રાવને મતદારયાદીની સમીક્ષા (SIR) દરમિયાન નામમાં તફાવત (સેલ્ફ-નેમ મિસમેચ) જોવા મળતાં આ નોટિસ મોકલવામાં આવી છે. જૂની મતદારયાદીમાં તેમનું નામ 'Prof. C.N.R. Rao' હતું, જ્યારે વર્તમાન યાદીમાં ભૂલથી 'Proff.' લખાયું છે. નિયમ મુજબ, જ્યારે જૂની અને નવી મતદારયાદીમાં નામ અથવા વિગતો મેળ ખાતી ન હોય ત્યારે આવી નોટિસ પાઠવવામાં આવે છે.
નોટિસના નિયમો અનુસાર સંબંધિત વ્યક્તિએ પોતાની જાતે રૂબરૂ હાજર થવું પડે છે. તેથી પ્રોફેસર રાવને ઈન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ (IISc) નજીક આવેલા મલ્લેશ્વરમ ખાતે સુનાવણી માટે બોલાવાયા છે. જોકે, તેમના સહયોગીઓ અને નજીકના લોકો જણાવે છે કે તેમની તબિયત હાલ નાજુક છે. તેઓ ફોન કે કમ્પ્યુટર જેવા ઉપકરણોથી દૂર રહે છે અને ઈમેલ પણ પોતે ચેક કરતા નથી.
નોંધપાત્ર છે કે પ્રોફેસર રાવે સોલિડ-સ્ટેટ અને સ્ટ્રક્ચરલ કેમિસ્ટ્રી ક્ષેત્રે અદ્ભુત યોગદાન આપ્યું છે. તેઓ દેશના પાંચ વડાપ્રધાનોના વૈજ્ઞાનિક સલાહકાર રહી ચૂક્યા છે. તેમણે ઈન્દિરા ગાંધીની સાયન્ટિફિક એડવાઇઝરી કાઉન્સિલમાં સભ્ય તરીકે સેવા આપી હતી અને રાજીવ ગાંધી, એચ.ડી. દેવેગૌડા, આઈ.કે. ગુજરાલ અને ડો. મનમોહન સિંહના કાર્યકાળ દરમિયાન સાયન્ટિફિક એડવાઇઝરી કાઉન્સિલના અધ્યક્ષ પદે રહ્યા હતા.
બેંગલુરુને વિજ્ઞાન ક્ષેત્રે વૈશ્વિક ઓળખ અપાવવામાં પ્રોફેસર રાવનું મોટું યોગદાન છે. તેમણે IIScનું નેતૃત્વ કર્યું હતું અને જેક્કુર ખાતે વિશ્વવિખ્યાત JNCASRની સ્થાપના કરી હતી. તેમને ભારત રત્ન ઉપરાંત પદ્મવિભૂષણ, પદ્મશ્રી અને કર્ણાટક રત્ન જેવા સન્માનોથી નવાજવામાં આવ્યા છે.