નવી દિલ્હી: મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર અને ચૂંટણી પંચના અન્ય બે કમિશનરો — સુખબીર સિંહ સંધૂ અને વિવેક જોશી — વચ્ચેનો આંતરિક વિવાદ વધુ ઘેરો બન્યો છે. અંગ્રેજી અખબાર 'ધ ઇન્ડિયન એક્સપ્રેસ'માં 23 સપ્ટેમ્બરે અહેવાલો પ્રકાશિત થયા તે પહેલાં જ, 21 સપ્ટેમ્બરે મુખ્ય ચૂંટણી કમિશનરનો ઉત્તર પ્રદેશનો સત્તાવાર પ્રવાસ રદ કરવામાં આવ્યો હતો.
મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારનો 25 સપ્ટેમ્બરે મેરઠ અને 28 સપ્ટેમ્બરે વારાણસી ખાતે સત્તાવાર કાર્યક્રમ તથા જન-જી (Gen-Z) યુવાનો સાથે સંવાદ નક્કી કરવામાં આવ્યો હતો. જોકે, 21 સપ્ટેમ્બરે જ મૌખિક સૂચનાઓ આપીને સ્થાનિક સ્તરે ચાલતી તૈયારીઓ રોકી દેવામાં આવી હતી. ઉત્તર પ્રદેશના મુખ્ય ચૂંટણી અધિકારી (CEO) કાર્યાલય દ્વારા જારી કરાયેલા પત્રમાં પણ 21 સપ્ટેમ્બરની તારીખ અને ઈમેલનો ઉલ્લેખ છે, જેમાં કોઈ કારણ આપ્યા વિના કાર્યક્રમ મોકૂફ રાખવાની માત્ર બે લીટીની માહિતી આપવામાં આવી હતી.
'ધ ઇન્ડિયન એક્સપ્રેસ'ના અહેવાલો અનુસાર, મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર નિર્ણયો લેવામાં એકતરફી વલણ અપનાવી રહ્યા હોવાનો આક્ષેપ છે. અન્ય બે કમિશનરો સુખબીર સિંહ સંધૂ અને વિવેક જોશીએ છેલ્લા 10 મહિના દરમિયાન 14 થી વધુ વખત નિર્ણયો અને આદેશો સામે લેખિતમાં વિરોધ નોંધાવ્યો છે. દાવો કરવામાં આવ્યો છે કે આ બંને કમિશનરોની જાણ બહાર જ કેટલાક મહત્વપૂર્ણ આદેશો જારી કરી દેવાયા હતા.
આ અહેવાલો સામે આવ્યા બાદ વિપક્ષી પક્ષોએ મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી પંચની કામગીરી સામે આકરા પ્રહારો શરૂ કરી દીધા છે. કેટલાક રાજકીય પક્ષોએ તો મુખ્ય ચૂંટણી કમિશનર પાસે 48 કલાકમાં રાજીનામાની માંગ સાથે આંદોલનની ચેતવણી પણ આપી દીધી છે. જોકે, ચૂંટણી પંચે અખબારી અહેવાલ પર પોતાની સ્પષ્ટતા રજૂ કરી છે, પરંતુ આંતરિક અસંતોષના આક્ષેપોને સીધા નકારી શક્યું નથી.