સત્ય. સાહસ. સંકલ્પ.

ફોર્મ-6માંથી SIR કોલમ હટાવાઈ: ચૂંટણી પંચનો નિર્ણય, કમિશનરોના વિરોધ પછી ફેરફાર

ફોર્મ-6માંથી SIR કોલમ હટાવાઈ: ચૂંટણી પંચનો નિર્ણય, કમિશનરોના વિરોધ પછી ફેરફાર

નવા મતદારોના નામ મતદાર યાદીમાં નોંધવાની પ્રક્રિયામાં ચૂંટણી પંચે મહત્ત્વનો ફેરફાર કર્યો છે. હવે જે રાજ્યોમાં ખાસ તીવ્ર સમીક્ષા (SIR) ચાલી રહી છે, ત્યાં પણ નવા મતદારોએ ECINet પોર્ટલ પર ફોર્મ 6 અને SIRનું ડિક્લેરેશન અલગ-અલગ ભરવાનું રહેશે. અગાઉ આ ડિક્લેરેશન ફોર્મ 6માં જ સામેલ હતું અને તેનો જવાબ આપવો ફરજિયાત હતો.

ચૂંટણી કમિશનરો સુખબીર સિંહ સંધુ અને વિવેક જોશીએ આ ફેરફાર સામે વાંધો ઉઠાવ્યો હતો. તેમનું કહેવું હતું કે ફોર્મ 6નું સ્વરૂપ 'મતદાર નોંધણી નિયમ, 1960' હેઠળ નક્કી થાય છે અને તેમાં ફેરફાર કરવાનો અધિકાર ફક્ત કેન્દ્ર સરકાર પાસે છે. પંચ પોતાની રીતે તેમાં ફેરફાર કરે તે કાયદેસર નથી. આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા બાદ પંચે 21 ઓક્ટોબરે ફોર્મ 6 અને SIR ડિક્લેરેશનને અલગ કરવાનો નિર્ણય લીધો હતો.

છેલ્લા કેટલાક સપ્તાહમાં ચૂંટણી પંચે અન્ય ઘણા મહત્ત્વના નિર્ણયો પણ લીધા છે. પંચની બેઠકો માટે અગાઉથી એજન્ડા શેર કરવાનો અને પછી વિગતો જાહેર કરવાનો નિયમ બનાવાયો છે. અધિકારીઓના વિદેશ પ્રવાસ માટે પંચની મંજૂરી ફરજિયાત કરવામાં આવી છે. નવી આઈટી સિસ્ટમ અને ECINet પોર્ટલની તપાસ માટે IIT બોમ્બે અને IISc બેંગ્લોરના નિષ્ણાતોની કમિટી રચવામાં આવી છે, જે ઓડિટ કરશે.

જમીની સ્તરના અધિકારીઓને વધુ સત્તા આપવામાં આવી છે. હવે દસ્તાવેજોમાં ખામી કે વિસંગતતા હોય તો મતદારની વ્યક્તિગત સુનાવણી ફક્ત અપવાદરૂપ કિસ્સામાં જ થશે. તેના બદલે બૂથ લેવલ ઓફિસર (BLO) જાતે ઘરે જઈને દસ્તાવેજો એકત્ર કરશે. ઉપરાંત, મતદારો નિર્ધારિત 13 શ્રેણીઓ ઉપરાંત અન્ય દસ્તાવેજો પણ જમા કરાવી શકશે અને એવા કિસ્સામાં ઇલેક્ટોરલ રજીસ્ટ્રેશન ઓફિસર (ERO) પોતે નિર્ણય લઈ શકશે.