સત્ય. સાહસ. સંકલ્પ.

ચૂંટણી પંચમાં વિવાદ: CEC જ્ઞાનેશ કુમાર સામે બે કમિશનરોની 14 ફરિયાદ

ચૂંટણી પંચમાં વિવાદ: CEC જ્ઞાનેશ કુમાર સામે બે કમિશનરોની 14 ફરિયાદ

ભારતના ચૂંટણી પંચ (ECI)માં ઉચ્ચ સ્તરે ગંભીર વિવાદ સર્જાયો છે. મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારના નિર્ણયો સામે તેમના બે સાથી કમિશનરો સુખબીર સિંહ સંધુ અને વિવેક જોશીએ છેલ્લા 10 મહિનામાં 14 વખત ઔપચારિક વાંધા ઉઠાવ્યા છે. આ મામલો હવે કેબિનેટ સચિવ સુધી પહોંચી ગયો છે, જેનાથી ચૂંટણી વ્યવસ્થા પર સવાલો ઊભા થયા છે.

‘ઇન્ડિયન એક્સપ્રેસ’ના અહેવાલ મુજબ, વિવાદનું મુખ્ય કેન્દ્ર નવા મતદારોની નોંધણી માટે વપરાતું કાનૂની દસ્તાવેજ ‘ફોર્મ 6’ અને ‘સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન’ (SIR) કાર્યક્રમ છે, જેની અસર દેશના 13 કરોડ મતદારો પર પડે છે. અસહમત કમિશનરોનો આરોપ છે કે મુખ્ય ચૂંટણી કમિશનરે તેમની જાણ કે મંજૂરી વિના મતદાર યાદીમાં નામ ઉમેરવા અને કાઢી નાખવા જેવા મહત્ત્વપૂર્ણ નિર્ણયો લીધા છે.

સૌથી મોટો વાંધો ફોર્મ 6માં કરવામાં આવેલા ફેરફાર સામે છે. નિયમ મુજબ, ફોર્મ 6 ‘મતદારોના નોંધણી નિયમો, 1960’ હેઠળ આવે છે અને સરકારની ઔપચારિક સૂચના (ગેઝેટ નોટિફિકેશન) વિના તેમાં કોઈ ફેરફાર કરી શકાય નહીં. આમ છતાં, કાયદા મંત્રાલયની મંજૂરી વિના ગત મે મહિનામાં ચૂંટણી પંચના ઓનલાઈન પોર્ટલ પર ફોર્મ 6નું નવું વર્ઝન મૂકી દેવામાં આવ્યું. આ નવા ફોર્મમાં અરજદારોને પૂછવામાં આવ્યું હતું કે શું તેમના માતા-પિતા કે દાદા-દાદી અગાઉની મતદાર યાદીમાં નોંધાયેલા હતા? કમિશનર સંધુએ આ ફેરફારને ‘અનધિકૃત’ ગણાવીને વરિષ્ઠ અધિકારીઓને પત્ર લખ્યો હતો અને ચેતવણી આપી હતી કે આવા ફેરફારોને કારણે પ્રથમ વખત મત આપનારા યુવાનો પોતાના મતાધિકારથી વંચિત રહી શકે છે.

અસહમત કમિશનરોએ ચાર ગંભીર મુદ્દા ઉઠાવ્યા છે: (1) બંધારણીય અધિકારીઓની અવગણના – ચૂંટણી પંચમાં આઇટી (IT) સિસ્ટમનું કેન્દ્રીકરણ કરી દેવામાં આવ્યું છે, જેના કારણે સ્થાનિક નોંધણી અધિકારીઓ (ERO) અને મુખ્ય ચૂંટણી અધિકારીઓ (CEO)ની સત્તા છીનવાઈ ગઈ છે. (2) પારદર્શકતાનો અભાવ – સોફ્ટવેરમાં મોટા ફેરફારો અને મતદાર યાદી સુધારવા જેવા નિર્ણયો સંપૂર્ણ કમિશન (ત્રણેય સભ્યો) સમક્ષ રજૂ કર્યા વિના જ અમલમાં મૂકી દેવાયા. (3) ગેરકાયદે ફેરફારો – ફોર્મ 6માં કાયદા મંત્રાલયની મંજૂરી કે આંતરિક સર્વસંમતિ વિના ફેરફાર કરાયા. (4) સોફ્ટવેરની ખામી અને નુકસાન – આ કેન્દ્રીયકૃત ડિજિટલ સિસ્ટમની નિષ્ફળતાને કારણે સુપ્રીમ કોર્ટના આદેશ છતાં ગોવામાં 97 યોગ્ય મતદારો પોતાના મતાધિકારથી વંચિત રહી ગયા હતા.

ECINet અને ERONet જેવા મતદાર સોફ્ટવેરના કેન્દ્રીકરણ અને કામની ફાળવણીના નવા આદેશથી આઇટી વિભાગ પરના દેખરેખના સ્તરો દૂર કરાતા તણાવ એટલો વધી ગયો કે કમિશનર સુખબીર સિંહ સંધુ અને વિવેક જોશીએ સીધા કેબિનેટ સચિવ ટી.વી. સોમનાથનને પત્ર લખ્યો. ચૂંટણી પંચના ઇતિહાસમાં આવું પહેલીવાર બન્યું છે. તેમણે ફરિયાદ કરી કે આઇટી વિભાગનું સંચાલન જે રીતે થઈ રહ્યું છે, તે ચૂંટણી પંચના કાયદાઓનું સીધું ઉલ્લંઘન છે અને તેમાં તાત્કાલિક સુધારાત્મક પગલાં લેવા જોઈએ.

આ વિવાદ બહાર આવતા જ ચૂંટણી પંચના સૂત્રોએ સ્પષ્ટતા કરી છે કે આંતરિક બાબતો પર ચર્ચા જાહેરમાં કરવામાં આવતી નથી. જોકે, આ મામલો લોકશાહીની પ્રક્રિયા સાથે જોડાયેલો હોવાથી તેની ગંભીરતા ઘટતી નથી. નિષ્ણાતોના મતે, ચૂંટણી પંચમાં આવા મતભેદો લોકોના વિશ્વાસને અસર કરી શકે છે, તેથી સંસ્થાકીય પારદર્શકતા અને સર્વસંમતિ જાળવવી જરૂરી છે.