ચૂંટણી પ્રચારમાં સોશિયલ મીડિયા પર નકલી વીડિયો અને ડીપફેકનો વધતો ઉપયોગ રોકવા ચૂંટણી પંચે કડક વલણ અપનાવ્યું છે. પંચે તમામ રાજકીય પક્ષોને સ્પષ્ટ આદેશ આપ્યો છે કે સોશિયલ મીડિયા પર ગેરમાર્ગે દોરતી કે ખોટી કોઈ પણ સામગ્રી ધ્યાને આવે તો તેને 3 કલાકની અંદર હટાવી લેવી પડશે. પક્ષોએ સોશિયલ મીડિયાનો ઉપયોગ પૂરી જવાબદારી સાથે કરવો જોઈએ તેવી ચેતવણી પણ આપવામાં આવી છે.
આજની ટેક્નોલોજીથી કોઈ પણ નેતાનો ચહેરો કે અવાજ બદલીને એકદમ સાચો લાગે તેવો નકલી વીડિયો બનાવી શકાય છે. ચૂંટણી પંચે સ્પષ્ટ કર્યું છે કે આવા ડીપફેક વીડિયો અને ખોટી માહિતીથી ચૂંટણી પ્રક્રિયાની નિષ્પક્ષતા જોખમાય છે. તેથી રાજકીય પક્ષોએ મતદારોને ગેરમાર્ગે દોરતી સામગ્રી ફેલાવવાથી દૂર રહેવું પડશે.
આ કાર્યવાહી ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના એક કથિત ડીપફેક વીડિયો અંગે મળેલી ફરિયાદ બાદ સામે આવી છે. વકીલ રીના એન. સિંહે ચૂંટણી પંચ સમક્ષ આ વીડિયોના પ્રસારણ પર રોક લગાવવા અરજી કરી હતી. ફરિયાદમાં જણાવાયું હતું કે લોકશાહીમાં રાજકીય આલોચના સ્વીકાર્ય છે, પરંતુ AI ટેક્નોલોજી દ્વારા નેતાઓની એવી ખોટી છબી ઊભી કરવી ગુનો છે જે તેમણે વાસ્તવમાં ક્યારેય કરી જ ન હોય.
ફરિયાદમાં એ તપાસની પણ માંગ કરાઈ છે કે આ વિવાદિત વીડિયો ક્યાંથી આવ્યો, કોણે બનાવ્યો અને તેને કઈ રીતે વાયરલ કરવામાં આવ્યો. સાથે જ આ મામલે ડિજિટલ પુરાવા સુરક્ષિત રાખવા, સંબંધિત લોકો પાસેથી ખુલાસો માંગવા અને પ્રાથમિક દ્રષ્ટિએ નિયમનો ભંગ જણાય તો નોટિસ પાઠવવાની રજૂઆત પણ કરવામાં આવી છે.
ચૂંટણી પંચે રાજકીય પક્ષોને યાદ અપાવ્યું છે કે દેશમાં IT એક્ટ 2000, IT નિયમો 2021, લોકપ્રતિનિધિત્વ ધારો અને આદર્શ આચારસંહિતા જેવા કડક કાયદાઓ પહેલેથી જ અમલમાં છે. પંચે ચેતવણી આપી છે કે કોઈ પણ પક્ષે ડીપફેક ઓડિયો કે વીડિયો બનાવવો, પોસ્ટ કરવો કે શેર કરવો નહીં. જો કોઈ ફેક એકાઉન્ટ કે ગેરકાયદે પોસ્ટ ધ્યાને આવે તો પ્લેટફોર્મને તાત્કાલિક ફરિયાદ કરવી અને 3 કલાકમાં તેને હટાવવી પડશે.
ચૂંટણી પ્રચાર દરમિયાન માત્ર નકલી વીડિયો જ નહીં, પરંતુ કોઈનું અપમાન કરતી પોસ્ટ મૂકવા પર પણ પંચે સંપૂર્ણ રોક લગાવી છે. આ ઉપરાંત ચૂંટણી પ્રચારમાં બાળકોનો ઉપયોગ કરવા પર તેમજ પ્રાણીઓ પ્રત્યે હિંસા કે ક્રૂરતા દર્શાવતી સામગ્રી શેર કરવા પર સખત મનાઈ ફરમાવવામાં આવી છે. ચૂંટણી પંચનો મુખ્ય હેતુ તમામ પક્ષો માટે ચૂંટણીનું વાતાવરણ નિષ્પક્ષ અને સમાન રાખવાનો છે.