સત્ય. સાહસ. સંકલ્પ.

ચૂંટણી પંચમાં વિવાદ: CEC પાસે વીટો પાવર છે કે નહીં? બંધારણ અને સુપ્રીમ કોર્ટ શું કહે છે

ચૂંટણી પંચમાં વિવાદ: CEC પાસે વીટો પાવર છે કે નહીં? બંધારણ અને સુપ્રીમ કોર્ટ શું કહે છે

ભારતનું ચૂંટણી પંચ વિશ્વની સૌથી મોટી લોકશાહીનો કરોડરજ્જુ ગણાય છે. પરંતુ જ્યારે આટલી મોટી સંસ્થા ચલાવનારા મુખ્ય અધિકારીઓ વચ્ચે જ કોઈ મુદ્દે મતભેદ ઊભો થાય, ત્યારે શું થાય? સામાન્ય રીતે આપણે માનતા હોઈએ છીએ કે મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) સંસ્થાના વડા હોવાથી તેમનો નિર્ણય અંતિમ અને સર્વોપરી હોય છે. પરંતુ શું ખરેખર એવું છે? શું CEC પાસે અન્ય બે ચૂંટણી કમિશનરોના મંતવ્યને રદ કરવાનો વીટો પાવર છે?

તાજેતરમાં SIR (સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન – મતદાર યાદી સુધારણા પ્રક્રિયા) મુદ્દે કમિશનરો વચ્ચે થયેલા કથિત મતભેદોના અહેવાલોએ આ ચર્ચાને વેગ આપ્યો છે. તો ચાલો, ભારતીય બંધારણ, નવો કાયદો અને સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ આ વિશે શું કહે છે તે સમજીએ.

વિવાદ શું છે?

'ઇન્ડિયન એક્સપ્રેસ'ના એક અહેવાલ મુજબ ચૂંટણી પંચમાં SIR પ્રક્રિયાને લઈને આંતરિક વિવાદ સામે આવ્યો છે. અહેવાલમાં દાવો કરાયો છે કે છેલ્લા 10 મહિનામાં અન્ય બે ચૂંટણી કમિશનરો (સુખબીર સિંહ સંધુ અને વિવેક જોશી)એ નવા મતદારોની નોંધણી, મતદાર યાદીમાંથી નામ કમી કરવા અને સિસ્ટમના કેન્દ્રીકરણ જેવા નિર્ણયો સામે ઓછામાં ઓછા 14 વખત લેખિત વાંધા નોંધાવ્યા હતા. તેમનું માનવું હતું કે કેટલાક નિર્ણયો તેમને જાણ કર્યા વિના લેવાયા હતા.

જવાબમાં ચૂંટણી પંચે આંતરિક ચર્ચાઓને સામાન્ય ગણાવી હતી અને કહ્યું હતું કે તમામ અંતિમ નિર્ણયો સર્વસંમતિથી જ લેવાયા છે.

બંધારણ શું કહે છે?

ભારતીય બંધારણની કલમ 324 ચૂંટણી પંચનો પાયો છે. આ કલમ મુજબ દેશમાં ચૂંટણીઓનું નિરીક્ષણ, નિર્દેશન અને નિયંત્રણ કરવાની સંપૂર્ણ જવાબદારી ચૂંટણી પંચની છે.

કલમ 324(1): ચૂંટણી પંચને ચૂંટણીઓનું નિરીક્ષણ, નિર્દેશન અને નિયંત્રણ આપે છે.

કલમ 324(2): કમિશનમાં એક મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) અને અન્ય ચૂંટણી કમિશનરો હશે તેમ જણાવે છે. હાલમાં ભારતમાં 1 CEC અને 2 અન્ય ચૂંટણી કમિશનર છે.

કલમ 324(3): CEC કમિશનના અધ્યક્ષ તરીકે કાર્ય કરશે.

અહીં નોંધવા જેવી બાબત એ છે કે બંધારણ CECને અધ્યક્ષ તો બનાવે છે, પરંતુ એવું ક્યાંય લખ્યું નથી કે દરેક બાબતમાં માત્ર તેમનો જ નિર્ણય અંતિમ ગણાશે.

'સમાન વચ્ચે પ્રથમ' નો સિદ્ધાંત

કાયદાકીય ભાષામાં CECને 'સમાન વચ્ચે પ્રથમ' (First Among Equals) કહેવામાં આવે છે. એટલે કે તેઓ અધ્યક્ષ ચોક્કસ છે, પરંતુ એકમાત્ર નિર્ણય લેનાર 'વન-મેન આર્મી' નથી.

વર્ષ 2023માં બનાવવામાં આવેલા 'મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનર અધિનિયમ' મુજબ, ચૂંટણી પંચનું કામ શક્ય હોય ત્યાં સુધી સર્વસંમતિથી થવું જોઈએ. પરંતુ જો ત્રણેય કમિશનરો વચ્ચે કોઈ મુદ્દે મતભેદ થાય, તો નિર્ણય બહુમતીના આધારે લેવામાં આવે છે.

જો બે ચૂંટણી કમિશનર એક તરફ હોય અને CECનો મત અલગ હોય, તો બહુમતી (બે કમિશનર)નો નિર્ણય માન્ય રહેશે. CEC તેને રદ કરી શકે નહીં.

જો CEC અને એક કમિશનર સંમત હોય, તો તેમનો નિર્ણય માન્ય રહેશે.

આમ, ચૂંટણી પંચમાં અસંમતિ હોવી એ નિયમોની વિરુદ્ધ કે કોઈ બંધારણીય કટોકટી નથી, તે એક સામાન્ય પ્રક્રિયા છે.

1995નો સુપ્રીમ કોર્ટનો ચુકાદો

1993માં જ્યારે ચૂંટણી પંચને બહુ-સભ્ય (એક કરતા વધુ સભ્યોવાળું) બનાવવામાં આવ્યું, ત્યારે CECની ભૂમિકા અંગે પ્રશ્ન ઊભો થયો હતો. 1995માં સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે અન્ય ચૂંટણી કમિશનરોની ભૂમિકા CEC જેટલી જ સમાન છે અને તેમની સલાહ-સૂચનો માત્ર ઔપચારિક નથી. કોઈ પણ નિર્ણયમાં CEC એકલા હાથે અન્ય કમિશનરોના મંતવ્યને બાજુ પર મૂકી શકે નહીં.

આ ચુકાદાએ ચૂંટણી પંચમાં સત્તાનું સંતુલન જળવાય તે સ્પષ્ટ કર્યું હતું — CEC પ્રથમ છે, પણ સર્વોપરી નથી.