સત્ય. સાહસ. સંકલ્પ.

ચૂંટણી પંચ વિવાદ: જ્ઞાનેશ કુમાર નિમણૂકથી ફોર્મ-6 સુધી, બંધારણીય પ્રશ્નોની અંદરની વાત

ચૂંટણી પંચ વિવાદ: જ્ઞાનેશ કુમાર નિમણૂકથી ફોર્મ-6 સુધી, બંધારણીય પ્રશ્નોની અંદરની વાત

દેશમાં ચૂંટણી પંચને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે એક મૂળભૂત પ્રશ્ન ઊભો થયો છે: જે સરકાર ચૂંટણી લડે છે, એ જ સરકાર ચૂંટણી પંચની પસંદગી કરે — તો મેચ ફેર રમાશે એની ખાતરી કોણ આપશે? આ સવાલ મોદી કે રાહુલ ગાંધીની તરફેણમાં નથી, પણ બંધારણ અને તટસ્થતાનો છે.

આ વિવાદને સમજવા માટે પાંચ મુદ્દા મહત્ત્વના છે.

1. મુખ્ય ચૂંટણી કમિશનરની પસંદગીનો કાયદો
માર્ચ 2023માં સુપ્રીમ કોર્ટે અનુપ બરનવાલ કેસમાં સ્પષ્ટ કર્યું હતું કે ચૂંટણી પંચ સત્તાધારી સરકારના પ્રભાવથી મુક્ત રહેવું જોઈએ. કોર્ટે મુખ્ય ન્યાયમૂર્તિને 'તટસ્થ અંપાયર' ગણાવ્યા અને વચગાળાની પસંદગી સમિતિ બનાવી, જેમાં વડાપ્રધાન, વિપક્ષના નેતા અને સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ હતા. ડિસેમ્બર 2023માં સંસદે નવો કાયદો લાવીને આ પ્રક્રિયામાંથી મુખ્ય ન્યાયમૂર્તિને હટાવી દીધા. તેમની જગ્યાએ વડાપ્રધાને નક્કી કરેલા એક કેબિનેટ મંત્રીને મૂકવામાં આવ્યા. પરિણામે ત્રણ સભ્યોની સમિતિમાં સરકાર પાસે બે મત આપોઆપ થઈ ગયા. વિપક્ષ નેતાનો મત લઘુમતીમાં રહેવા લાગ્યો.

2. જ્ઞાનેશ કુમાર વિવાદમાં ધ્રુવ રાઠીની એન્ટ્રી
મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારની નિમણૂક વખતે વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ લેખિત વાંધો ઉઠાવ્યો હતો. તેમનો વાંધો જ્ઞાનેશ કુમાર સામે નહીં, પણ આ પસંદગી પ્રક્રિયાની તટસ્થતા સામે હતો. આ વિવાદમાં હવે ધ્રુવ રાઠી પણ જોડાયા છે, જેમણે ચૂંટણી પંચમાં ગરબડ અંગેના પાંચ મુદ્દા પર સવાલ ઉઠાવ્યા છે.

3. ફોર્મ નંબર 6માં સુધારાની સત્તા કોની પાસે?
નવું ચૂંટણી કાર્ડ મેળવવા માટેનું ફોર્મ નંબર 6 કાયદા હેઠળ 'સ્ટેચ્યુટરી' છે. એમાં એક અલ્પવિરામ બદલવો હોય તો પણ કાયદા મંત્રાલયનું નોટિફિકેશન કાઢવું પડે અને તેને સંસદ સામે ચકાસણી માટે મૂકવું પડે. આમ છતાં સંસદને પૂછ્યા વગર સુધારો કરવામાં આવ્યો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. તપાસ માટે સમિતિ બેસે તો સ્પષ્ટતા થઈ શકે.

4. EROના પાવર
ચૂંટણી નોંધણી અધિકારી (ERO) પાસે મતદાર યાદીમાં નામ ઉમેરવા-કાઢવાની સત્તા હોય છે. EROના રિપોર્ટને આધારે ચૂંટણી પંચ નિર્ણય લે છે.

5. CECને મળેલી કાયદાકીય ઇમ્યુનિટી
મુખ્ય ચૂંટણી કમિશનરને કામ દરમિયાન આપવામાં આવતી કાનૂની સુરક્ષા પણ ચર્ચાનો વિષય છે. જો નિમણૂક પ્રક્રિયા જ પ્રશ્નો હેઠળ હોય, તો ઇમ્યુનિટીનો ઉપયોગ કેવી રીતે થાય — એ અંગે પ્રશ્નો ઊઠે છે.

આજે ભારતમાં વિપક્ષ અને યુવાનો ચૂંટણી પંચ મામલે રસ્તા પર છે. પણ અસલી સવાલ એ છે કે ચૂંટણી પંચ પોતાની બંધારણીય મર્યાદામાં ચાલી રહ્યું છે કે નહીં. આ પ્રશ્નનો જવાબ કોઈ પક્ષ તરફથી નહીં, પણ બંધારણ અને પ્રક્રિયાની પારદર્શિતાથી મળશે.