સત્ય. સાહસ. સંકલ્પ.

૫ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની તૈયારી શરૂ, ચૂંટણી પંચની ટીમ ઉત્તરાખંડ પહોંચી

૫ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની તૈયારી શરૂ, ચૂંટણી પંચની ટીમ ઉત્તરાખંડ પહોંચી

નવી દિલ્હી: આગામી થોડા મહિનાઓમાં દેશના પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ભારતના ચૂંટણી પંચે આ ચૂંટણીઓ માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. ચૂંટણી પૂર્વ તૈયારીઓની સમીક્ષા અને ચકાસણી માટે પંચની એક ઉચ્ચસ્તરીય ટીમ હાલ ઉત્તરાખંડની મુલાકાતે પહોંચી છે.

નાયબ ચૂંટણી કમિશનરોના નેતૃત્વમાં વરિષ્ઠ અધિકારીઓની ટીમ અલગ-અલગ રાજ્યોની મુલાકાત લઈ રહી છે. ઉત્તરાખંડ બાદ આ ટીમ પંજાબ અને મણિપુરની પણ મુલાકાત લેશે. જોકે, ગોવાની મુલાકાત માટે અગાઉ નક્કી કરાયેલી તારીખોમાં હાલ ફેરફાર કરાયો છે. ઉત્તર પ્રદેશની મુલાકાત અંગે હજુ કોઈ સત્તાવાર તારીખ જાહેર થઈ નથી. ઉત્તર પ્રદેશ વિધાનસભામાં કુલ 403 બેઠકો છે.

સામાન્ય રીતે ચૂંટણી કાર્યક્રમ જાહેર કરતા પહેલા મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) અને અન્ય કમિશનરોની સંયુક્ત ટીમ રાજ્યોની મુલાકાત લે છે. આગામી છ મહિનામાં ઉત્તર પ્રદેશ, પંજાબ, ગોવા, મણિપુર અને ઉત્તરાખંડમાં ચૂંટણી યોજાવાની છે.

આંકડા મુજબ, 403 બેઠકો ધરાવતી ઉત્તર પ્રદેશ વિધાનસભાનો કાર્યકાળ 22 મે, 2027ના રોજ પૂરો થશે. મણિપુરની 60 અને ગોવાની 40 બેઠકો પર ચૂંટણી યોજાશે. પંજાબની 117 અને ઉત્તરાખંડની 70 બેઠકોવાળી વિધાનસભાનો કાર્યકાળ માર્ચ 2027માં અલગ-અલગ તારીખોે સમાપ્ત થશે.

લોકપ્રતિનિધિત્વ અધિનિયમ, 1950ની જોગવાઈ અનુસાર ચૂંટણી પંચને વિધાનસભાની મુદત પૂરી થવાના છ મહિના પહેલા કોઈપણ સમયે ચૂંટણી યોજવાની સત્તા છે. આ જ નિયમ હેઠળ પંચે તૈયારીઓ શરૂ કરી છે.

ચૂંટણીની પારદર્શિતા માટે ઉત્તર પ્રદેશ અને ગોવામાં ઈવીએમ અને વીવીપેટ મશીનોનું ફર્સ્ટ લેવલ ચેકિંગ (FLC) શરૂ થઈ ગયું છે. આ પ્રક્રિયામાં ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ (BEL) અને ઈલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (ECIL)ના નિષ્ણાત એન્જિનિયરો હાજર રહે છે. તેઓ મશીનોમાં કોઈ તકનીકી ખામી તો નથી તેની બારીકાઈથી તપાસ કરે છે. ખામી મળે તો મશીન તાત્કાલિક ઉત્પાદક કંપનીને સમારકામ કે બદલી માટે મોકલાય છે. આ મશીનો સરકારી કંપનીઓ જ બનાવે છે.

રાજકીય પક્ષોની શંકા દૂર કરવા માટે મોક પોલ (ડમી મતદાન) પણ તમામ માન્ય પક્ષોના પ્રતિનિધિઓની હાજરીમાં કરાય છે. ચૂંટણી પંચના પ્રોગ્રામ કેલેન્ડર મુજબ FLC ચૂંટણી પ્રક્રિયાનો અનિવાર્ય હિસ્સો છે અને તમામ રાજ્યોએ તેનું પાલન કરવું ફરજિયાત છે.

એક સંપૂર્ણ ઈવીએમ સેટમાં ઓછામાં ઓછું એક બેલેટ યુનિટ, એક કંટ્રોલ યુનિટ અને એક વીવીપેટ મશીન હોય છે. FLC દરમિયાન પહેલા કંટ્રોલ યુનિટ અને બેલેટ યુનિટમાંથી અગાઉની ચૂંટણીનો ડેટા ભૂંસી નાખવામાં આવે છે. તમામ તપાસ પાસ કરનાર યુનિટને 'FLC OK' માર્ક કરી, ગુલાબી કાગળની સીલ મારીને સુરક્ષિત રાખવામાં આવે છે, જેથી ચૂંટણીના આગલા તબક્કા સુધી કોઈ છેડછાડ ન કરી શકે.