આઈચી-નાગોયા એશિયન ગેમ્સ 2026માં ભારતની શૂટર ઈલાવેનિલ વલારિવાએ મહિલાઓની 10 મીટર એર રાઈફલ વ્યક્તિગત સ્પર્ધામાં રજત પદક જીત્યો છે. તેણે ફાઈનલમાં 252.4 પોઈન્ટ મેળવ્યા, જ્યારે જાપાનની હિનાતા તાઈચીએ 253.0 પોઈન્ટ સાથે ગોલ્ડ મેડલ જીત્યો. ઈલાવેનિલ માત્ર 0.6 પોઈન્ટથી ગોલ્ડથી વંચિત રહી. દક્ષિણ કોરિયાની હિયોજિન બાને 230.4 પોઈન્ટ સાથે બ્રોન્ઝ મેડલ મળ્યો.
ફાઈનલમાં ઈલાવેનિલે શરૂઆતથી જ સારું પ્રદર્શન કર્યું અને લાંબા સમય સુધી ટોચનું સ્થાન જાળવી રાખ્યું. પરંતુ અંતિમ ત્રણ શોટમાં હિનાતાએ તેને પાછળ છોડી દીધી. આમ ઈલાવેનિલને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો.
આ ઈલાવેનિલનો એશિયન ગેમ્સમાં બીજો પદક છે. અગાઉ તેમણે સોનમ મસ્કર અને વિદર્સા કોચલુમકલ સાથે મહિલાઓની 10 મીટર એર રાઈફલ ટીમ સ્પર્ધામાં રજત પદક જીત્યો હતો. એશિયન ગેમ્સમાં ભારતના અત્યાર સુધીના બંને પદક શૂટિંગમાંથી આવ્યા છે અને બંને સિલ્વર છે.
આ જ સ્પર્ધાની ફાઈનલમાં પહોંચેલી બીજી ભારતીય શૂટર સોનમ મસ્કર છઠ્ઠા સ્થાને રહી. તેણે ક્વોલિફિકેશનમાં 634.1 પોઈન્ટ મેળવીને ફાઈનલમાં સ્થાન મેળવ્યું હતું.
ઈલાવેનિલની સફર સરળ નહોતી. તેમનો જન્મ 2 ઓગસ્ટ 1999ના રોજ તમિલનાડુના કુડ્ડાલોરમાં થયો હતો. ત્રણ વર્ષની ઉંમરે તેમનો પરિવાર અમદાવાદ આવીને વસ્યો. તેમના પિતા વૈજ્ઞાનિક છે અને માતા-પિતા બંને પીએચડી સ્કોલર છે. બાળપણમાં તે સ્પ્રિન્ટર અને લાંબા અંતરની દોડવીર હતી. જુડો અને બેડમિન્ટન પણ અજમાવ્યા હતા. શૂટિંગ તો તેમના ધ્યાનમાં પણ નહોતું.
લગભગ 12-13 વર્ષની ઉંમરે તેમણે પિતાના એક વિદ્યાર્થીની દીકરીને એર રાઈફલથી પ્રેક્ટિસ કરતા જોઈ. જિજ્ઞાસાથી તેમણે રાઈફલ હાથમાં લીધી અને તેમની પ્રતિભા ઉભરી આવી. ત્યારબાદ તેમણે સ્થાનિક પાંચ દિવસીય રાઈફલ કેમ્પમાં ભાગ લીધો. અહીંથી શૂટિંગની સફર શરૂ થઈ.
2014માં, 15 વર્ષની ઉંમરે, તેમણે ઓલિમ્પિક બ્રોન્ઝ મેડલ વિજેતા ગગન નારંગની ગન ફોર ગ્લોરી એકેડમીમાં પ્રવેશ લીધો. કોચ નેહા ચાવણના માર્ગદર્શન અને ગગન નારંગની દેખરેખ હેઠળ તેમની ટ્રેનિંગ ખૂબ કઠિન હતી. ઘણી વખત તેઓ દિવસમાં 10 કલાક સુધી પ્રેક્ટિસ કરતા. વહેલી સવારે શૂટિંગ રેન્જ પર પહોંચ્યા બાદ સ્કૂલ જવું તેમની દિનચર્યાનો ભાગ હતું. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી અંગ્રેજી સાહિત્યમાં બી.એ. કર્યું. એકેડમીના 'પ્રોજેક્ટ લીપ'માં પસંદગી થયા બાદ તેમના પ્રદર્શનમાં સુધારો થયો અને તેઓ રાષ્ટ્રીય પસંદગી ટ્રાયલ સુધી પહોંચ્યા.
2018માં ઈલાવેનિલે આંતરરાષ્ટ્રીય જુનિયર સ્તરે ઓળખ બનાવી. સિડનીમાં યોજાયેલા ISSF જુનિયર વર્લ્ડ કપમાં વ્યક્તિગત ગોલ્ડ મેડલ જીત્યો અને ક્વોલિફિકેશનમાં 631.4 પોઈન્ટ સાથે જુનિયર વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો. 2019માં 20 વર્ષની ઉંમરે રિયો ડી જાનેરોમાં ISSF વર્લ્ડ કપમાં 10 મીટર એર રાઈફલનો ગોલ્ડ મેડલ જીતીને આ સિદ્ધિ મેળવનારી ભારતની ત્રીજી મહિલા બન્યા. એ જ વર્ષે ચીનના પુતિયાનમાં વર્લ્ડ કપ ફાઈનલમાં પણ ગોલ્ડ જીત્યો અને વિશ્વ રેન્કિંગમાં નંબર-1 પર પહોંચ્યા.