સત્ય. સાહસ. સંકલ્પ.

અલ નીનો અને ગ્લોબલ વોર્મિંગનું બેવડું જોખમ: UNની ચેતવણી, સૌથી ગરમ 12 વર્ષ

અલ નીનો અને ગ્લોબલ વોર્મિંગનું બેવડું જોખમ: UNની ચેતવણી, સૌથી ગરમ 12 વર્ષ

તુર્કિયેના અંતાલ્યામાં COP31 જળવાયુ પરિવર્તન સંમેલન યોજાયું. સંમેલનના પ્રથમ દિવસે જળવાયુ સંકટની સ્વાસ્થ્ય, ખાદ્ય સુરક્ષા અને કૃષિ પર પડી રહેલી ગંભીર અસરો પર ચર્ચા થઈ. સંયુક્ત રાષ્ટ્ર (UN) જળવાયુ પરિવર્તનના એક્ઝિક્યુટિવ સેક્રેટરીએ ચેતવણી આપી છે કે દુનિયા ખતરનાક રીતે ગરમ થઈ રહી છે અને જળવાયુ સંકટ હવે વૈશ્વિક સ્વાસ્થ્ય કટોકટીનું રૂપ લઈ ચૂક્યું છે.

વિશ્વ હવામાન વિજ્ઞાન સંગઠન (WMO) દ્વારા આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં WMOનો નવો રિપોર્ટ 'State of the Climate Update 2026' રજૂ કરવામાં આવ્યો. સાયમન સ્ટીલે જણાવ્યું કે, એક અત્યંત શક્તિશાળી અલ નીનો જળવાયુ અસરોને વધુ ઝડપી બનાવી રહ્યો છે, જેના કારણે દુનિયાએ બેવડો માર સહન કરવો પડી રહ્યો છે.

સંયુક્ત રાષ્ટ્ર જળવાયુ પરિવર્તનના એક્ઝિક્યુટિવ સેક્રેટરીએ ભારપૂર્વક જણાવ્યું કે, જળવાયુ પરિવર્તન હવે માત્ર પર્યાવરણ કે સમુદ્ર સુધી સીમિત નથી, પરંતુ તે સીધું માનવ સ્વાસ્થ્ય ક્ષમતાને પ્રભાવિત કરી રહ્યું છે. તેમણે ખાસ કરીને ગર્ભવતી મહિલાઓ, નવજાત શિશુઓ અને માતૃ સ્વાસ્થ્ય પર વધતા તાપમાનની અસરોને લઈને ચિંતા વ્યક્ત કરી હતી, જે વિકાસશીલ દેશો માટે એક મોટી સ્વાસ્થ્ય આપત્તિ સમાન છે.

જળવાયુ સંકટના મૂળ કારણો પર વાત કરતા સ્ટીલે જણાવ્યું કે, માનવતા હજુ પણ મોટા પ્રમાણમાં કોલસા, તેલ અને ગેસનો ઉપયોગ કરી રહી છે. તેમણે COP31માં દેશો સામે સ્પષ્ટ વિકલ્પ મૂક્યો કે કાં તો ભવિષ્ય માટે સ્વચ્છ ઊર્જા અપનાવો અથવા જીવાશ્મ ઈંધણની મોંઘવારી અને આર્થિક ઝટકાઓ સહન કરવા માટે તૈયાર રહો.

WMOના મહાસચિવએ જણાવ્યું કે, વર્ષ 2015 થી 2026 સુધીના 12 વર્ષ રેકોર્ડ પર સૌથી ગરમ વર્ષોમાં સામેલ છે. જાન્યુઆરીથી સપ્ટેમ્બર 2026 વચ્ચે વૈશ્વિક સરેરાશ તાપમાન ઔદ્યોગિક યુગ પહેલાના સ્તર કરતાં આશરે 1.47 ડિગ્રી સેલ્સિયસ વધુ રહ્યું છે. વળી, એક શક્તિશાળી અલ નીનોના કારણે 2026ના બાકીના મહિનાઓ અને વર્ષ 2027માં તાપમાન હજુ વધુ વધવાની અને આત્યંતિક ઘટનાઓ (હીટવેવ, ચક્રવાત અને ભારે વરસાદ) બનવાની આશંકા છે.

આ સંકટની સીધી અસર ભારત અને દક્ષિણ એશિયા જેવા કૃષિ પર નિર્ભર ક્ષેત્રોની ખાદ્ય સુરક્ષા, પાક ઉત્પાદકતા અને જળ ઉપલબ્ધતા પર પડી શકે છે. સંમેલનમાં અંતમાં એ વાત પર ભાર મૂકવામાં આવ્યો કે જળવાયુ નીતિઓને માત્ર કાર્બન ઉત્સર્જન પૂરતી સીમિત ન રાખતા તેને માનવ જીવન, સ્વાસ્થ્ય અને ખાદ્ય સુરક્ષા સાથે જોડવી અનિવાર્ય છે.