સત્ય. સાહસ. સંકલ્પ.

અલ નીનો 2026-27: ગરમીના કારણે વિશ્વમાં 4.51 લાખ મોતનું અનુમાન, ભારતમાં 15,800ની ભીતિ

અલ નીનો 2026-27: ગરમીના કારણે વિશ્વમાં 4.51 લાખ મોતનું અનુમાન, ભારતમાં 15,800ની ભીતિ

પ્રશાંત મહાસાગરમાં સક્રિય થઈ રહેલો શક્તિશાળી અલ-નીનો આગામી મહિનાઓમાં વિશ્વભરમાં તાપમાન જોખમી સ્તરે વધારી શકે છે. યુનિવર્સિટી ઓફ શિકાગોની 'ક્લાઇમેટ ઇમ્પેક્ટ લેબ'ના નવા રિપોર્ટ મુજબ, જૂન 2026 થી ફેબ્રુઆરી 2027 વચ્ચે સામાન્ય વર્ષોની તુલનામાં લગભગ 4,51,000 વધારાના લોકો ગરમીના કારણે મૃત્યુ પામી શકે છે. આ આંકડો હજુ નોંધાયેલા મૃત્યુનો નથી, પરંતુ વૈજ્ઞાનિકોએ દુનિયાના 24,000થી વધુ વિસ્તારોના તાપમાન અને મૃત્યુદરના ડેટા પરથી કરેલો અંદાજ છે.

આ જોખમમાં ભારત પણ સામેલ છે. દેશમાં જૂન 2026 થી ફેબ્રુઆરી 2027 દરમિયાન ગરમી સંબંધિત લગભગ 15,800 વધારાના મૃત્યુની સંભાવના છે. ખાસ ચિંતાની વાત એ છે કે ડિસેમ્બર 2026 થી ફેબ્રુઆરી 2027 વચ્ચે પણ આશરે 7,400 વધારાના મૃત્યુનો અંદાજ છે, એટલે કે પરંપરાગત શિયાળાના મહિનાઓમાં પણ તાપમાન અસામાન્ય રીતે ઊંચું રહી શકે છે.

રિપોર્ટ પ્રમાણે, અલ-નીનો દરમિયાન દુનિયાના જમીની વિસ્તારોનું સરેરાશ તાપમાન સામાન્ય કરતાં લગભગ 1.2 ડિગ્રી સેલ્સિયસ વધુ રહી શકે છે. સાથે જ અતિશય ગરમ દિવસોની સંખ્યામાં પણ આશરે 44 ટકાનો વધારો થવાની ધારણા છે. હવામાનમાં પહેલેથી ચાલી રહેલા ફેરફારોને કારણે પૃથ્વી ગરમ થઈ રહી છે, ત્યારે આ કુદરતી ઘટના વધુ દિવસો સુધી કડકડતી લૂ ઊભી કરશે. પહેલેથી ગરમ રહેતા વિસ્તારોમાં તાપમાનનો થોડો પણ વધારો આરોગ્ય માટે ખતરનાક બની શકે છે.

સૌથી વધુ અસર એવા દેશોમાં થશે જ્યાં ગરમીથી બચવાના સાધનો મર્યાદિત છે. આફ્રિકાના સાહેલ પ્રદેશમાં સૌથી વધુ લગભગ 66,800 વધારાના મૃત્યુની ભીતિ છે. દેશવાર જોઈએ તો નાઇજીરિયામાં આશરે 31,400 અને સુદાનમાં 17,600 મૃત્યુનો અંદાજ છે. દક્ષિણ અને દક્ષિણ-પૂર્વ એશિયામાં ફિલિપાઇન્સ, વિયેતનામ, થાઇલેન્ડ અને કંબોડિયા મળીને લગભગ 19,400 તથા ઇન્ડોનેશિયામાં 19,300 વધારાના મૃત્યુની શક્યતા છે. બ્રાઝિલમાં આ આંકડો 13,300 સુધી પહોંચી શકે છે.

વિશ્વ હવામાન સંસ્થા (WMO)ના જણાવ્યા અનુસાર, આ શક્તિશાળી અલ-નીનો ફેબ્રુઆરી 2027 સુધી સક્રિય રહી શકે છે. પ્રશાંત મહાસાગરના ઉષ્ણકટિબંધીય ભાગમાં દરિયાઈ સપાટીનું તાપમાન સામાન્ય કરતાં ઘણું વધી ગયું છે, જે વિશ્વભરમાં વરસાદ, પવન અને તાપમાનની પેટર્ન બદલી નાખશે. વૈજ્ઞાનિકો ચેતવણી આપે છે કે ફેબ્રુઆરી 2027માં અલ-નીનો પૂરો થાય તો પણ તેની ગરમીની અસરો લાંબા સમય સુધી રહેશે. ખાસ કરીને ઉત્તરી ગોળાર્ધના દેશોમાં આગળની ગરમીની ઋતુ પણ વધુ કઠોર બની શકે છે.

અલ-નીનો માત્ર સીધા તાપમાનથી જ નહીં, પણ હવામાનની ચરમસીમાઓ દ્વારા પણ નુકસાન કરે છે. કેટલાક પ્રદેશોમાં ભયાનક દુષ્કાળ અને જંગલોમાં આગ ફાટી નીકળવાનું જોખમ વધે છે.