સત્ય. સાહસ. સંકલ્પ.

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 17 ઓક્ટોબરથી 'એકતા પ્રકાશ પર્વ-2026' શરૂ, 3 મહિના સુધી રોશની

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 17 ઓક્ટોબરથી 'એકતા પ્રકાશ પર્વ-2026' શરૂ, 3 મહિના સુધી રોશની

નર્મદા જિલ્લાના એકતા નગર ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મ જયંતિ નિમિત્તે 'એકતા પ્રકાશ પર્વ-2026'નું આયોજન કરવામાં આવ્યું છે. આ પર્વ 17 ઓક્ટોબર, 2026થી 15 જાન્યુઆરી, 2027 સુધી ચાલશે. મુખ્યમંત્રી આવતીકાલે શનિવારે તેનું ઉદ્ઘાટન કરશે.

આ પર્વ દરમિયાન સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિત આશરે 7.6 કિલોમીટરના વિસ્તારમાં રોશની કરવામાં આવશે. થીમ આધારિત લાઈટિંગ દ્વારા એકતા, સંસ્કૃતિ અને દેશભક્તિના ભાવ દર્શાવાશે. રાત્રિ દરમિયાન પ્રવાસીઓ માટે નાઈટ ટુરિઝમને પ્રોત્સાહન મળશે.

ઇન્ડોર વિભાગમાં ઉત્તર, પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ ભારતની સંસ્કૃતિનું પ્રદર્શન કરવામાં આવશે. આઉટડોર વિભાગમાં 11 મુખ્ય સેક્શન પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. જેમાં દીપ સુરંગ અને રંગબેરંગી પ્રકાશિત પુષ્પો પ્રવાસીઓને અનોખી અનુભૂતિ કરાવશે. બાળકો માટે પશુઓ, મશરૂમ અને જળચર દુનિયા આધારિત લાઈટિંગ ગોઠવાશે. એકતા દ્વારથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીનો વિસ્તાર રોશનીથી ઝળહળી ઊઠશે.

સરદાર સરોવર ડેમ ખાતે ડાયનેમિક લાઈટ એન્ડ સાઉન્ડ શૉનું આયોજન પણ કરવામાં આવ્યું છે. ગત વર્ષે મળેલા સારા પ્રતિસાદ બાદ આ વર્ષે ત્રણ મહિના માટે આયોજન કરાયું છે, જે પ્રકાશ, કલા અને ભારતીય સંસ્કૃતિનો સંગમ પ્રવાસીઓને અનોખો અનુભવ આપશે.