આજે 31 ઓક્ટોબરે એકતાનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતી નિમિત્તે 'રાષ્ટ્રીય એકતા દિવસ'ની ભવ્ય ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે પીએમ મોદીએ દેશવાસીઓને એકતાના શપથ લેવડાવ્યા હતા.
કાર્યક્રમમાં સુરક્ષા દળોની શિસ્તબદ્ધ પરેડ અને 'નક્સલ મુક્ત ભારત' થીમ પર સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો, જે આકર્ષણનું કેન્દ્ર બન્યો. આ સમારોહમાં નક્સલવાદના ખાતમાની ઉજવણી કરવામાં આવી, જેમાં BSF, CRPF, CISF, ITBP, SSB સહિત અન્ય રાજ્યોની પોલીસ ટુકડીઓએ ભાગ લીધો હતો.
પોતાના સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું કે, 'સરદાર પટેલ જાણતા હતા કે ભારતની વિવિધતા જ એકતા છે.' તેમણે જણાવ્યું કે આજનો કાર્યક્રમ થોડો અલગ છે, કારણ કે અત્યાર સુધી એકતા દિવસનો કાર્યક્રમ સવારે યોજાતો હતો, પરંતુ આ વખતે સાંજે યોજાયો છે. તેમણે વધુમાં કહ્યું કે સવારે લાખો દેશવાસીઓએ 'રન ફોર યુનિટી'માં ભાગ લીધો હતો.
વડાપ્રધાન મોદીએ સવારે સરદાર પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ભારતીય વાયુસેનાના બે હેલિકોપ્ટર દ્વારા સ્ટેચ્યૂ ઓફ યુનિટી પર પુષ્પવર્ષા કરીને તેમને ભાવવંદના અર્પણ કરવામાં આવી હતી.
એકતા પરેડમાં ભાગ લીધા બાદ વડાપ્રધાન રાત્રે 8:00 વાગ્યે એકતાનગરથી રોડ માર્ગે વડોદરા એરપોર્ટ જશે અને રાત્રે 9:10 વાગ્યે વડોદરા એરપોર્ટથી દિલ્હી જવા રવાના થશે.