સ્ટેચ્યૂ ઓફ યુનિટી, એકતાનગર ખાતે પ્રવાસીઓ માટે વધુ એક નવું આકર્ષણ ઉમેરાઈ રહ્યું છે. 12 કરોડના ખર્ચે 12 એકર જમીનમાં તૈયાર થયેલા રેન ફોરેસ્ટ પ્રોજેક્ટનું લોકાર્પણ 31 ઓક્ટોબરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે થવાની શક્યતા છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટી નજીક બની રહેલા દેશના સૌથી મોટા ગ્લાસ વોક-વેનું નિર્માણ પણ અંતિમ તબક્કામાં છે.
રેન ફોરેસ્ટ પ્રોજેક્ટમાં 20 રેન ગન ટાવર દ્વારા કૃત્રિમ વરસાદ વરસાવવામાં આવશે. પ્રોજેક્ટનું તાપમાન 25થી 30 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે જાળવવામાં આવશે, જેથી પ્રવાસીઓ ઉનાળાની ગરમીમાં પણ વરસાદનો અનુભવ કરી શકશે. બબલ ફાઉન્ટન, વોટરફોલ અને ભારતના વિવિધ રાજ્યોના વૃક્ષો પ્રોજેક્ટની સુંદરતામાં વધારો કરશે. કુદરતી જંગલ જેવું વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે, જે પ્રવાસીઓને અલગ અનુભવ આપશે.
રેન ફોરેસ્ટ પ્રોજેક્ટનું મુખ્ય આકર્ષણ ગ્લાસ વોક-વે છે. 35 મિલીમીટર જાડાઈના 132 કોરિયન ગ્લાસથી તૈયાર કરવામાં આવેલો આ ગોળાકાર વોક-વે વિશ્વમાં પ્રથમ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ વોક-વે પર ચાલીને પ્રવાસીઓ અનોખો અનુભવ મેળવી શકશે.
ગ્લાસ વોક-વે ટાવરની ડિઝાઇન વળાંકવાળા કાચની છે. તેની ઊંચાઈ 11 મીટર અને વ્યાસ 22 મીટર છે. આ માળખામાં 35 મીમી જાડા ટફન લેમિનેટેડ કાચનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ કાચ જર્મનીથી આયાત કરવામાં આવ્યા છે. ત્યારબાદ અમદાવાદમાં તેને કાપીને જરૂરી આકાર આપવામાં આવ્યો હતો અને બાંધકામ સ્થળે પહોંચાડવામાં આવ્યા હતા.
ગ્લાસ ટાવરના નિર્માણમાં વિશાળ કાચની પેનલોને ઊંચાઈ પર પહોંચાડવા માટે વિશેષ પ્રકારની ક્રેનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. કામદારો અત્યંત સાવચેતીપૂર્વક કાચની પેનલોને યોગ્ય જગ્યાએ ગોઠવી રહ્યા છે. વળાંકવાળા કાચની ડિઝાઇન અને સ્કાયવોકને કારણે આ ટાવર એકતાનગરના પ્રવાસન આકર્ષણોમાં વિશેષ સ્થાન મેળવી શકે છે.
કશ્યપ બિલ્ડર, સુરતના પ્રફુલ નસીતે જણાવ્યું હતું કે રેન ફોરેસ્ટ પ્રોજેક્ટ પ્રવાસીઓ માટે મોટું આકર્ષણ બનશે. સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાતે આવતા પ્રવાસીઓને આ પ્રોજેક્ટ દ્વારા અનોખો અનુભવ મળશે. કૃત્રિમ વરસાદ અને ગ્લાસ વોકવે જેવી સુવિધાઓ એકતાનગરના પ્રવાસનને નવી ઓળખ આપશે.