નર્મદા જિલ્લાના એકતા નગર ખાતે આજે રાષ્ટ્રીય એકતા દિવસની પરેડ માટે સુરક્ષા દળોનું રિહર્સલ યોજાયું હતું. આગામી 31 ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતિ નિમિત્તે આ પરેડ યોજાનાર છે. આજના રિહર્સલમાં વિવિધ રાજ્યોમાંથી આવેલા જવાનોએ ભાગ લીધો હતો.
રિહર્સલમાં દેશના વિવિધ રાજ્યોના વિશેષ સુરક્ષા દળો અને કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોના જવાનોએ શિસ્તબદ્ધ કદમતાલ કરી હતી. આમાં છત્તીસગઢની એસટીએફ અને ડીઆરજી, ઝારખંડની જગુઆર, ઓડિશાની એસઓજી, આંધ્રપ્રદેશ અને તેલંગાણાની ગ્રેહાઉન્ડ્સ, કર્ણાટકની એએનએફ, કેરળની થંડરબોલ્ટ, મહારાષ્ટ્રની સી-60 તેમજ સીઆરપીએફની કોબ્રા કમાન્ડો બટાલિયન સામેલ હતી. આ ટુકડીઓ નક્સલવિરોધી કામગીરીમાં તેમની કુશળતા માટે જાણીતી છે.
આ ઉપરાંત બીએસએફ, આઈટીબીપી, એસએસબી, સીઆઈએસએફ અને સીઆરપીએફના મહિલા તથા પુરુષ જવાનોની ટુકડીઓ અને એનસીસીના યુવા પ્રતિભાગીઓએ પણ રિહર્સલમાં ભાગ લીધો હતો.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, મુખ્ય પરેડમાં 20 માર્ચિંગ ટુકડીઓના 3,480 પ્રતિભાગીઓ સહિત વિવિધ ઘટકોમાં કુલ 4,956 જવાનો ભાગ લેશે. આ ઉપરાંત સાંસ્કૃતિક કાર્યક્રમો, નાટ્યપ્રસ્તુતિઓ, ટેબ્લો અને શાળા બેન્ડમાં જોડાનારા કલાકારો સહિત કુલ 7,734 પ્રતિભાગીઓ આ રાષ્ટ્રીય મહોત્સવમાં ભાગ લેશે.
લોહપુરુષ સરદાર પટેલે રજવાડાંઓના એકીકરણ દ્વારા અખંડ ભારતના નિર્માણમાં આપેલા યોગદાનને આ પરેડ યાદ કરાવે છે. સાથે જ સુરક્ષાદળોની કર્તવ્યનિષ્ઠા અને નક્સલવાદથી મુક્તિ તરફ દેશની પ્રગતિનો સંદેશ પણ આપે છે.