નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે પ્રવાસન આકર્ષણોમાં વધુ એક નવો ઉમેરો થયો છે. લીમડી ગામમાં 2.62 કિલોમીટર લાંબી ફોરેસ્ટ ઇકો-ટ્રેઇલ વિકસાવવામાં આવી છે, જેનું નામ ‘ટ્રેઇલ ઑફ યુનાઇટેડ ઇન્ડિયા’ રાખવામાં આવ્યું છે. આ ટ્રેઇલ 31 ઑક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રાષ્ટ્રને અર્પણ કરવામાં આવશે.
આ ઇકો-ટ્રેઇલમાં પાંચ થીમેટિક ઝોન વિકસાવવામાં આવ્યા છે. જેમાં વન્યજીવન અને પ્રકૃતિ, યુવા, મહિલા સશક્તિકરણ, વારસો અને આધ્યાત્મિકતાનો સમાવેશ થાય છે. દરેક ઝોનમાં થીમ આધારિત પ્રદર્શનો અને કલાત્મક શિલ્પો સ્થાપિત કરવામાં આવ્યાં છે, જે પ્રવાસીઓને ભારતની પ્રાકૃતિક સમૃદ્ધિ, સામાજિક પ્રગતિ, સાંસ્કૃતિક વારસો અને આધ્યાત્મિક પરંપરાઓની ઝાંખી કરાવશે.
લીલાંછમ જંગલો વચ્ચે આવેલી આ ટ્રેઇલ પ્રવાસીઓને પગપાળા ભ્રમણ કરવાની સાથે પ્રકૃતિના સાનિધ્યમાં સમય વિતાવવાની તક આપશે. વિવિધ થીમ આધારિત સ્થાપત્યો દ્વારા ભારતની સાંસ્કૃતિક વિવિધતા અને રાષ્ટ્રીય એકતાનો સંદેશ આપવામાં આવશે. આમ, પ્રવાસીઓ માટે આ ટ્રેઇલ પ્રકૃતિ અને ભારતીય સંસ્કૃતિને નજીકથી જાણવાનું નવું સ્થળ બનશે.
ઇકો-ટ્રેઇલની મુલાકાત દરમિયાન પ્રવાસીઓને સુવિધા મળી રહે તે માટે આકર્ષક પ્રવેશદ્વાર, પાર્કિંગ, ટિકિટ બૂથ અને માહિતી કેન્દ્ર વિકસાવવામાં આવ્યાં છે. આ ઉપરાંત, મલ્ટી-પર્પઝ ગઝેબો, બાયો-ટોઇલેટ્સ અને પીવાના પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
ટ્રેઇલમાં વાંસનો વૉચ ટાવર, દિશાસૂચક અને માહિતીદર્શક સાઇનબોર્ડ, પથ્થરનાં બેઠક સ્થળો તથા ટ્રેઇલનો નકશો પણ મૂકવામાં આવ્યો છે. આ સુવિધાઓથી પ્રવાસીઓને વનવિસ્તારમાં સરળતાથી ભ્રમણ કરવા અને વિવિધ સ્થળો વિશે માહિતી મેળવવામાં મદદ મળશે.
વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઑફ યુનિટીના કારણે એકતાનગરને વૈશ્વિક પ્રવાસન ક્ષેત્રે વિશિષ્ટ ઓળખ મળી છે. પ્રતિમાના ઉદ્ઘાટન બાદ અત્યાર સુધીમાં ત્રણ કરોડથી વધુ પ્રવાસીઓ અહીં મુલાકાત લઈ ચૂક્યા છે. પ્રવાસીઓની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને સ્ટેચ્યુ ઑફ યુનિટી એરિયા ડેવલપમેન્ટ એન્ડ ટુરિઝમ ગવર્નન્સ ઑથોરિટી (SoUADTGA) દ્વારા પ્રવાસન સુવિધાઓ અને નવાં આકર્ષણો વિકસાવવામાં આવી રહ્યાં છે. આ જ પ્રયાસના ભાગરૂપે તૈયાર કરાયેલી ઇકો-ટ્રેઇલ પ્રવાસીઓને પ્રકૃતિની સાથે ભારતની વિવિધતા અને રાષ્ટ્રીય એકતાનો અનુભવ કરાવશે.