નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે સ્ટેચ્યુ ઑફ યુનિટીની મુલાકાતે આવતા પ્રવાસીઓ માટે નર્મદા નદી પર રિવર ટુરિઝમને વધુ આકર્ષક બનાવવા રૂ. 16 કરોડના ખર્ચે નવી અને આધુનિક 'એકતા ક્રૂઝ' તૈયાર કરવામાં આવી છે. આ ક્રૂઝ 600 મુસાફરોની ક્ષમતા ધરાવે છે અને તેમાં આધુનિક સલામતી સિસ્ટમ, કેટરિંગ, ડાઇનિંગ અને લાઇવ મ્યુઝિકની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
ક્રૂઝમાં મુસાફરો માટે આરામદાયક બેઠક વ્યવસ્થા, ભોજન અને અલ્પાહારની ઉત્તમ વ્યવસ્થા તથા વિવિધ કાર્યક્રમો અને મનોરંજન પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ક્રૂઝમાં વિવિધ સમારોહ અને ઉત્સવો પણ યોજી શકાશે.
મુસાફરોની સલામતીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને ક્રૂઝમાં અત્યાધુનિક અગ્નિશામક ઉપકરણો અને સલામતી વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે, જેથી કોઈપણ આકસ્મિક પરિસ્થિતિમાં રક્ષણ મળી શકે.
એકતા ક્રૂઝના શરૂ થવાથી નર્મદા નદી આધારિત પ્રવાસન પ્રવૃત્તિઓને વેગ મળશે અને પ્રવાસીઓ એકતાનગરમાં વધુ સમય રોકાવા પ્રેરાશે. તેનાથી કાર્યક્રમોના આયોજન અને કેટરિંગ જેવી સેવાઓ દ્વારા રોજગારી અને આવકની નવી તકો ઊભી થશે.
ક્રૂઝની મુખ્ય વિશેષતાઓમાં કુલ ખર્ચ રૂ. 16 કરોડ, સંચાલન ક્ષમતા 600 મુસાફરો, ક્ષેત્રફળ અંદાજે 360 ચોરસ મીટર, એન્જિન ક્ષમતા 400 હોર્સપાવર અને પાવર બેકઅપ માટે ચાર ડીઝલ જનરેટર સેટનો સમાવેશ થાય છે.