8મા પગાર પંચ અંગે હાલમાં ચેન્નાઈ ખાતે મહત્વની ચર્ચાઓ ચાલી રહી છે. કર્મચારી સંગઠનો પગારમાં ત્રણ ગણા વધારાની માંગ કરી રહ્યાં છે. સરકાર જો 7મા પગાર પંચની જેમ 2.57 ફિટમેન્ટ ફેક્ટર સ્વીકારે, તો વિવિધ કક્ષાના કર્મચારીઓના મૂળ પગારમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે.
લેવલ 1 હેઠળ આવતા પટાવાળા અને સહાયક કર્મચારીઓનો લઘુત્તમ મૂળ પગાર હાલમાં ₹18,000 છે. 2.57 ફિટમેન્ટ ફેક્ટર લાગુ પડે તો આ રકમ વધીને ₹46,260 થઈ શકે છે. મોંઘવારી ભથ્થું અને મકાન ભાડા ભથ્થું ઉમેરાયા બાદ કુલ પગાર વધુ ઊંચો આવશે.
લેવલ 6 અને 7 હેઠળ આવતા શિક્ષકો (પ્રાથમિક અને TGT) હાલમાં ₹35,400 મૂળ પગાર મેળવે છે. નવા પંચ મુજબ આ રકમ વધીને આશરે ₹91,000 થવાનો અંદાજ છે. ક્લાસ 1 અધિકારીઓ (લેવલ 10) નો મૂળ પગાર હાલ ₹56,100 છે, જે વધીને ₹1,44,177 થઈ શકે છે.
નોકરી કરતા કર્મચારીઓ ઉપરાંત નિવૃત્ત કર્મચારીઓને પણ આનો લાભ મળશે. હાલમાં ₹9,000 લઘુત્તમ પેન્શન મેળવતા લોકોનું પેન્શન વધીને ₹23,130 થશે. 8મું પગાર પંચ હાલમાં કાર્યરત છે, પરંતુ કમિશને હજુ અંતિમ અહેવાલ સરકારને સુપરત કર્યો નથી.
અહેવાલ તૈયાર થયા બાદ તે કેન્દ્ર સરકારની મંજૂરી માટે મોકલવામાં આવશે. કેબિનેટની મંજૂરી બાદ જ સત્તાવાર જાહેરાત થશે. આ વધારો અમલમાં આવ્યો તો દેશના લાખો કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનધારકોને મોંઘવારી સામે આર્થિક રાહત મળી શકે છે.