પાટણ જિલ્લાના રાધનપુર નજીક નેશનલ હાઈવે નંબર-27 પર રાઘવજી હોટલ પાસે ગત રાત્રે લગભગ એક વાગ્યાની આસપાસ ગંભીર અકસ્માત સર્જાયો હતો. રસ્તા પર ઉભેલી ટ્રકની પાછળ ઈકો કાર ઘૂસી જતાં કારમાં સવાર ત્રણ લોકોનાં મોત થયાં હતાં, જ્યારે એક બાળક સહિત ચાર લોકો ઘાયલ થયાં હતાં. ઘાયલોને પ્રાથમિક સારવાર બાદ ધારપુર મેડિકલ કોલેજમાં ખસેડવામાં આવ્યા છે.
રાત્રિ દરમિયાન ખાટુ શ્યામના દર્શન કરી પરત ફરી રહેલા અંજારના એક પરિવારની આ કાર હતી. અકસ્માત એટલો ભયંકર હતો કે કારની ડ્રાઈવિંગ સીટ પર લોહીનું ખાબોચિયું ભરાઈ ગયું હતું અને કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. તસવીરો સાક્ષી પૂરે છે.
મૃતકોમાં સુનિલ લક્ષ્મણભાઈ ચાવડા, મહેશ અંબુભાઈ મહેતા અને શક્તિસિંહ બહાદુરસિંહ જાડેજાનો સમાવેશ થાય છે. આ તમામ અંજારના રહીશો હતા. ઘાયલોમાં ગોપાલસિંહ ગોહિલ, મુકેશ કોલી, કિશોરસિંહ જાડેજા અને એક બાળકનો સમાવેશ થાય છે.
અકસ્માતની જાણ થતાં જ રાધનપુર પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ઘાયલોને 108 એમ્બ્યુલન્સ દ્વારા તાત્કાલિક રાધનપુર સરકારી રેફરલ હોસ્પિટલ લઈ જવાયા હતા, જ્યાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે ધારપુર ખસેડવામાં આવ્યા છે. પોલીસે અકસ્માતની તપાસ શરૂ કરી છે.