સત્ય. સાહસ. સંકલ્પ.

તહેવારો પહેલાં રાહત: ખાદ્ય તેલ સસ્તું થશે, સૂર્યમુખી તેલ પર કસ્ટમ ડ્યૂટી શૂન્ય

તહેવારો પહેલાં રાહત: ખાદ્ય તેલ સસ્તું થશે, સૂર્યમુખી તેલ પર કસ્ટમ ડ્યૂટી શૂન્ય

કેન્દ્ર સરકારે ખાદ્ય તેલ પરની બેઝિક કસ્ટમ્સ ડ્યુટી ઘટાડી છે. નાણાં મંત્રાલયના જણાવ્યા અનુસાર, નવા દરો 24 સપ્ટેમ્બરથી અમલમાં આવ્યા છે. આ ઘટાડાને કારણે દેશમાં ખાદ્ય તેલ સસ્તું થવાની ધારણા છે.

સરકારે ક્રૂડ સોયા અને ક્રૂડ પામ તેલ પરની ડ્યુટી 10 ટકાથી ઘટાડીને 5 ટકા કરી છે. રિફાઇન્ડ સોયા અને રિફાઇન્ડ પામ તેલ પરની ડ્યુટી 32.5 ટકાથી ઘટાડીને 27.5 ટકા કરવામાં આવી છે.

ક્રૂડ સૂર્યમુખી તેલ પરની ડ્યુટી 10 ટકાથી ઘટાડીને શૂન્ય કરવામાં આવી છે. તેમજ રિફાઇન્ડ સૂર્યમુખી તેલ પરની કસ્ટમ્સ ડ્યુટી 32.5 ટકાથી ઘટાડીને 22.5 ટકા કરવામાં આવી છે.

આ ઘટાડાથી ખાદ્ય તેલોના આયાત ખર્ચમાં ઘટાડો થવાની અપેક્ષા છે. તેનો લાભ ગ્રાહકોને કિંમતોમાં રાહત સ્વરૂપે મળી શકે છે. જોકે, ગ્રાહકોને કેટલી રાહત મળશે તે સપ્લાય ચેઇનમાં ડ્યુટી ઘટાડાનો લાભ કેવી રીતે આગળ પહોંચાડવામાં આવે છે તેના પર નિર્ભર રહેશે.

ભારતમાં વપરાતા જુદા જુદા તેલ

પામ તેલ: આ સૌથી સસ્તું હોય છે, તેથી બહારનું ખાવાનું, નમકીન, બિસ્કિટ અને ઢાબાઓમાં તેનો સૌથી વધુ ઉપયોગ થાય છે.

સોયાબીન તેલ: આ હલકું અને સસ્તું હોવાથી ભારતીય ઘરોની રસોઈમાં રોજિંદા ભોજન બનાવવા માટે સૌથી લોકપ્રિય છે.

સરસવનું તેલ: ઉત્તર અને પૂર્વ ભારતની પહેલી પસંદ, જે પોતાના તીખા સ્વાદ અને આરોગ્યપ્રદ ગુણોને કારણે જાણીતું છે.

સૂર્યમુખીનું તેલ: આ પચવામાં હળવું માનવામાં આવે છે, તેથી શહેરી ઘરોમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત લોકો તેનો બહોળો ઉપયોગ કરે છે.

મગફળીનું તેલ: ગુજરાત અને દક્ષિણ ભારતમાં મુખ્યત્વે ઉપયોગમાં લેવાતું આ તેલ પકોડાં અથવા ડીપ-ફ્રાઇંગ જેવી વાનગીઓ માટે ઉત્તમ છે.