સત્ય. સાહસ. સંકલ્પ.

દેશભરના 100 ટોલ પ્લાઝા પર ગેરકાયદે FASTag વસૂલાત, EDએ 14 સ્થળે દરોડા પાડી 1.03 કરોડ જપ્ત કર્યા

દેશભરના 100 ટોલ પ્લાઝા પર ગેરકાયદે FASTag વસૂલાત, EDએ 14 સ્થળે દરોડા પાડી 1.03 કરોડ જપ્ત કર્યા

નવી દિલ્હી/મિર્ઝાપુર: દેશભરમાં લગભગ 100 નેશનલ હાઈવે ટોલ પ્લાઝા પર FASTag વગરના વાહનો પાસેથી ગેરકાયદે ટોલ વસૂલીને કરોડો રૂપિયાનું કૌભાંડ થયાનો ખુલાસો થયો છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ દેશભરમાં 14 સ્થળોએ દરોડા પાડીને આ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે.

EDના જણાવ્યા અનુસાર, 'માબડાટા' અને 'એની' નામની બે ગેરકાયદે એપ બનાવીને FASTag વગરના વાહનચાલકો પાસેથી ટોલ વસૂલવામાં આવતો હતો. વાહનચાલકોને આ એપ દ્વારા નકલી રસીદો આપવામાં આવતી હતી અને એકત્રિત કરેલી રકમ ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ (NHAI)ની સત્તાવાર સિસ્ટમમાંથી છુપાવી દેવામાં આવતી હતી. આ સાથે, કૌભાંડીઓ પોતાનું અલગ પોર્ટલ પણ ચલાવી રહ્યા હતા, જેના કારણે સરકારને મહેસૂલનું મોટું નુકસાન થયું છે.

આ કેસ ઉત્તર પ્રદેશના મિર્ઝાપુર જિલ્લાના અતરેલા શિવ ગુલામ ટોલ પ્લાઝા પરથી શરૂ થયો હતો, જ્યાં પોલીસ દ્વારા એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી. EDએ મિર્ઝાપુરની એફઆઈઆરના આધારે તપાસ શરૂ કરી અને ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, પશ્ચિમ બંગાળ અને રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર (NCR) સહિત 14 સ્થળોએ દરોડા પાડ્યા.

ED દ્વારા જપ્ત કરવામાં આવેલી સામગ્રીમાં લગભગ રૂ. 1.03 કરોડ રોકડા, હિસાબી ચોપડા, બેન્ક દસ્તાવેજો અને ડિજિટલ સાધનોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, કૌભાંડ સાથે સંકળાયેલા 8 બેન્ક ખાતાઓને પણ ફ્રીઝ કરી દેવામાં આવ્યા છે.

EDની તપાસમાં સામે આવ્યું છે કે, આ ગેરકાયદે એપ દ્વારા થતી વસૂલાતમાં NHAI તરફથી ટોલ એકત્ર કરવા માટે નિયુક્ત કરાયેલી ખાનગી કંપનીઓના કર્મચારીઓ અને વચેટિયાઓની પણ ભૂમિકા હતી. આ મામલે આગળની તપાસ ચાલુ છે.