કેરળના પૂર્વ મુખ્યમંત્રી અને વિપક્ષના નેતા પિનરાઈ વિજયનને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ CMRL-Exalogic કથિત નાણાકીય ગેરરીતિના મામલે સમન પાઠવ્યો છે. તેમને 23 ઓક્ટોબરના રોજ પૂછપરછ માટે હાજર થવાનો આદેશ આપવામાં આવ્યો છે.
EDએ પિનરાઈ વિજયન અને તેમના પરિવાર પાસેથી દેશ-વિદેશમાં આવેલી તમામ સંપત્તિઓનો હિસાબ માંગ્યો છે. જેમાં બેંક ખાતા, ફિક્સ્ડ ડિપોઝિટ, બેંક લોકર અને રોકાણોની વિગતોનો સમાવેશ થાય છે. ઉપરાંત, નાણાકીય વર્ષ 2016થી 2026 સુધીના ઇન્કમ ટેક્સ રિટર્ન (ITR)ના દસ્તાવેજો પણ માંગવામાં આવ્યા છે.
આ મામલો કોચીન મિનરલ્સ એન્ડ રુટાઇલ લિમિટેડ (CMRL) દ્વારા એક્સાલોજિક સોલ્યુશન્સને કરવામાં આવેલી કથિત ચુકવણી સાથે સંબંધિત છે. તપાસ એજન્સીનો આરોપ છે કે CMRL દ્વારા આઇટી કન્સલ્ટન્સી સેવાઓના બહાને અંદાજે 2.78 કરોડ રૂપિયા ખોટી રીતે ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. આ મની લોન્ડરિંગ કેસમાં કલમ 50 હેઠળ વિજયનનું નિવેદન નોંધવા માટે આ સમન જારી કરાયો છે.
આ કાર્યવાહી સામે પિનરાઈ વિજયને સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને તાત્કાલિક રોક લગાવવાની માંગ કરી હતી. તેમના વકીલે ધરપકડની શક્યતા વ્યક્ત કરી હતી, પરંતુ સુપ્રીમ કોર્ટે તાત્કાલિક સુનાવણી કરવાનો ઇનકાર કર્યો છે. કોર્ટે જણાવ્યું છે કે રજાઓ બાદ 26 ઓક્ટોબરના રોજ આ અરજી પર નિયમિત સુનાવણી હાથ ધરવામાં આવશે.