સત્ય. સાહસ. સંકલ્પ.

ઇક્વાડોરમાં પ્રાર્થના દરમિયાન પાદરી પર ક્રોસ પડ્યો, મોત

ઇક્વાડોરમાં પ્રાર્થના દરમિયાન પાદરી પર ક્રોસ પડ્યો, મોત

દક્ષિણ અમેરિકન દેશ ઇક્વાડોરના ગ્વાયાકિલ શહેરમાં એક દુઃખદ ઘટના બની છે. શનિવારે પર્પેતુઓ સોકોરો ચર્ચમાં પ્રાર્થના સભા દરમિયાન લાકડાનો મોટો ક્રોસ પાદરી પર પડતાં તેમનું મૃત્યુ થયું. મૃતક પાદરીની ઓળખ ફાધર પેટ્રિસિયો અલ્ફ્રેડો સાંચેઝ મોલીનારી તરીકે થઈ છે. તેઓ અવર લેડી ઑફ પરપેચ્યુઅલ હેલ્પ ચર્ચમાં પ્રવચન આપી રહ્યા હતા.

આ ઘટના 17 ઓક્ટોબરના રોજ બની હતી. ચર્ચ તરફથી જણાવવામાં આવ્યું છે કે પ્રાર્થના સભાનું સોશિયલ મીડિયા પર લાઇવ પ્રસારણ થઈ રહ્યું હતું. લગભગ 27 મિનિટ સુધી પ્રવચન ચાલ્યું હતું, ત્યાર બાદ દીવાલ પર લગાવેલો ક્રોસ અને ઈસુ ખ્રિસ્તની મૂર્તિ પાદરી પર પડી ગયા. ક્રોસ ભારે લાકડાનો હતો, જેનાથી પાદરીના માથામાં ગંભીર ઈજા થઈ.

ઘટનાના તરત જ ચર્ચમાં હાજર લોકો મદદ માટે દોડી આવ્યા હતા. ઇમરજન્સી મેડિકલ ટીમને પણ બોલાવવામાં આવી હતી, પરંતુ તેમને બચાવી શકાયા નહીં. ચર્ચે જણાવ્યું કે પાદરીનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું.

ઉલ્લેખનીય છે કે ઘટનાના થોડા સમય પહેલાં ફાધર સાંચેઝે સ્પેનિશમાં ઉપદેશ આપતાં કહ્યું હતું, 'ટોડોસ વૈમોસ એ મોરિર' (Todos vamos a morir), જેનો અર્થ થાય છે 'એક દિવસ આપણે સૌએ મરવાનું છે.' તેમણે કહ્યું હતું કે ઓછા મહત્વની બાબતો પાછળ વિતાવેલો સમય ઈશ્વર અને પ્રિયજનો સાથે વિતાવેલા સમય જેટલો અર્થપૂર્ણ નથી હોતો. તેમના આ શબ્દોનો વીડિયો પણ સામે આવ્યો છે.

આ દુર્ઘટનાનું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. ચર્ચનું કહેવું છે કે ક્રોસને દીવાલ સાથે જોડતા માઉન્ટિંગ ફિક્સચરમાં કોઈ ખામી હોવાની આશંકા છે. સ્થાનિક પ્રશાસન ઘટનાની તપાસ કરી રહ્યું છે.