નવી દિલ્હી: કેન્દ્રીય ચૂંટણી પંચે દિલ્હી, હરિયાણા, મહારાષ્ટ્ર, નાગાલેન્ડ, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને ઝારખંડમાં મતદાર યાદીમાંથી બાકાત થયેલા મતદારોને ફરી સામેલ કરવા વિશેષ ઝુંબેશ ચલાવવાનો આદેશ આપ્યો છે. આ રાજ્યોમાં મતદાર યાદીની વિશેષ પુનરીક્ષણ (SIR) પ્રક્રિયા ચાલી રહી છે.
પંચના જણાવ્યા અનુસાર, બૂથ લેવલ ઓફિસર (BLO) દ્વારા આવા મતદારોનો સંપર્ક કરવામાં આવશે અને તેમને ફોર્મ ભરવામાં તથા મતદાર યાદીમાં નામ ફરી ઉમેરાવવાની પ્રક્રિયામાં મદદ કરવામાં આવશે. આ ઉપરાંત, જે મતદારોના નામ યાદીમાંથી કપાયા છે તેમની યાદી સંબંધિત પોલિંગ બૂથ પર જાહેર કરવામાં આવશે, જેથી મતદારો પોતાનું નામ ચકાસી શકે અને જરૂર પડે તો ફરી ઉમેરાવી શકે. આ માટે પંચે એક ફોર્મ પણ બહાર પાડ્યું છે.
આ રાહત તે મતદારોને મળશે જેમને ન્યુમરેશન ફોર્મ આપવામાં આવ્યા હતા, પરંતુ તપાસ દરમિયાન તેમને ગેરહાજર, સ્થળાંતરિત, મૃત્યુ પામેલા કે ડુપ્લિકેટ કેટેગરીમાં મૂકીને ડ્રાફ્ટ રોલમાંથી બાકાત કરી દેવાયા હતા.
ચૂંટણી પંચે અધિકારીઓને સમગ્ર પ્રક્રિયા પર સખત દેખરેખ રાખવા તાકીદ કરી છે. તેનો મુખ્ય હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે કોઈ પણ પાત્ર મતદાર આખરી મતદાર યાદીમાં જોડાવાના અધિકારથી વંચિત ન રહે અને સાથોસાથ કોઈ બોગસ કે ડુપ્લિકેટ નામ યાદીમાં ન ઘૂસી જાય.
પંચના જણાવ્યા મુજબ, અત્યાર સુધીમાં બિહાર અને પશ્ચિમ બંગાળ સહિત 20 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં SIR પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે. સતત સુધારણા પ્રક્રિયા હેઠળ રહી ગયેલા મતદારોના નામ જોડી શકાય છે, જે માટે ECI એ તમામ મુખ્ય ચૂંટણી અધિકારીઓ (CEO) ને સુવિધા પૂરી પાડવા આદેશ આપ્યો છે.
અગાઉ ચૂંટણી પંચે પોતાના સોગંદનામામાં આંતરિક કામકાજની વહેંચણી અને એક અધિકારીની કાર્યપ્રણાલી પર ઉઠેલા સવાલો અંગે સ્થિતિ સ્પષ્ટ કરી હતી. ECI એ જણાવ્યું હતું કે કેબિનેટ સચિવને લખવામાં આવેલો પત્ર પંચ કે તેના IT વિભાગ સંબંધિત કોઈ નીતિગત બાબત અંગે નહોતો, પરંતુ ડેપ્યુટેશન પર તૈનાત એક અધિકારીના કામકાજ સંબંધિત હતો. પંચ મુજબ, સંબંધિત અધિકારી દ્વારા જારી કરાયેલા કામની પુનઃવહેંચણીના આદેશો બંને ચૂંટણી કમિશનરોના નિર્દેશ બાદ અમલમાં મૂકવામાં આવ્યા નહોતા.