અમેરિકામાં રોકાણ કરીને ગ્રીન કાર્ડ મેળવવા ઇચ્છતા ભારતીયો માટે એક મોટા સમાચાર છે. અમેરિકન નાગરિકત્વ અને ઇમિગ્રેશન સેવા (USCIS) એ EB-5 ઇમિગ્રન્ટ ઇન્વેસ્ટર પ્રોગ્રામની વિવિધ ફીમાં નોંધપાત્ર વધારો કર્યો છે. આ નવા નિયમો 30 નવેમ્બર 2026થી અમલમાં આવ્યા છે.
આ વધારાના કારણે ભારતીય રોકાણકારો અને તેમના પરિવારો માટે અમેરિકામાં સ્થાયી થવાનો કુલ ખર્ચ ઘણો વધી ગયો છે.
EB-5 પ્રોગ્રામ હેઠળ, એકલા રોકાણ કરનારા અરજદારો માટે ફોર્મ I-526ની ફી $3,675થી વધીને $7,615 થઈ છે. તેવી જ રીતે, રીજનલ સેન્ટર મારફતે રોકાણ કરનારા અરજદારો માટે ફોર્મ I-526Eની ફી $3,675થી વધીને $7,850 થઈ છે. આ પ્રારંભિક અરજીઓ પર $75ની ટેકનોલોજી ફી પણ લાગશે.
ગ્રીન કાર્ડ પરની શરતો હટાવવા માટે નાખવામાં આવતી અરજી, ફોર્મ I-829ની ફી $3,750થી વધીને $5,000 થઈ ગઈ છે.
આ ઉપરાંત, રીજનલ સેન્ટર સાથે સંકળાયેલી ફીમાં પણ મોટો વધારો થયો છે. રીજનલ સેન્ટરની માન્યતા માટેના ફોર્મ I-956ની ફી $17,795થી વધીને $44,115 થઈ છે, જ્યારે ફોર્મ I-956Fની ફી $42,675 થઈ છે.
USCISના જણાવ્યા મુજબ, એજન્સી પોતાની પ્રવૃત્તિઓનો મોટો હિસ્સો અરજી ફીમાંથી જ ચલાવે છે. આ ફીમાં અરજીની તપાસ, બેકગ્રાઉન્ડ ચેક, પાત્રતાની પુષ્ટિ અને છેતરપિંડી રોકવાની પ્રક્રિયાઓનો સમાવેશ થાય છે.
EB-5 પ્રોગ્રામ હેઠળ વિદેશી રોકાણકારો અમેરિકામાં યોગ્ય વ્યાપારી પ્રોજેક્ટમાં રોકાણ કરીને અને ઓછામાં ઓછી 10 ફુલ-ટાઇમ નોકરીઓ ઊભી કરીને કાયમી નિવાસ માટે પાત્ર બની શકે છે. હાલના નિયમો હેઠળ સામાન્ય રોકાણની લઘુત્તમ રકમ $10.5 લાખ છે, જ્યારે લક્ષિત રોજગાર ક્ષેત્ર અથવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટમાં આ રકમ $8 લાખ છે. રોકાણકાર સાથે તેના જીવનસાથી અને યોગ્ય બાળકો પણ ગ્રીન કાર્ડ માટે અરજી કરી શકે છે.
છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતથી EB-5 માટેની માંગ ઘણી વધી છે, જેના કારણે ભારતીય અરજદારો માટે બેકલોગ પણ સર્જાયો છે. આ બેકલોગને કારણે ગ્રીન કાર્ડ માટે રાહ જોવાનો સમય પ્રભાવિત થઈ શકે છે. ફી વધવા છતાં, રોકાણની મૂળ પાત્રતા અને રોજગાર નિર્માણની શરતો અલગ નિયમો હેઠળ લાગુ રહેશે.
એક રિપોર્ટ મુજબ, 2023માં લગભગ 12 લાખ લોકોને ગ્રીન કાર્ડ મળ્યું હતું, જેમાંથી 78,000 ભારતના હતા. આ વર્ષે 60 ટકા ભારતીયોને ગ્રીન કાર્ડ મળ્યું છે.