સત્ય. સાહસ. સંકલ્પ.

ઈસ્ટ ઝોન ત્રીજી વખત દુલીપ ટ્રોફી ચેમ્પિયન, ઈશાન કિશનની બેવડી સદી

ઈસ્ટ ઝોન ત્રીજી વખત દુલીપ ટ્રોફી ચેમ્પિયન, ઈશાન કિશનની બેવડી સદી

ચેન્નઈમાં રમાયેલી દુલીપ ટ્રોફીની ફાઇનલમાં ઈસ્ટ ઝોનને વિજેતા જાહેર કરવામાં આવ્યું છે. સાઉથ ઝોન સામેની આ ફાઇનલ ડ્રો રહી, પરંતુ પ્રથમ ઇનિંગમાં લીધેલી લીડના આધારે ઈસ્ટ ઝોનને ચેમ્પિયન ગણવામાં આવ્યું. ઈસ્ટ ઝોને આ ત્રીજી વખત ટ્રોફી જીતી છે.

ઈસ્ટ ઝોને પ્રથમ બેટિંગ કરતા 708 રન બનાવ્યા હતા. કેપ્ટન ઈશાન કિશને 270 રનની બેવડી સદી ફટકારી હતી. તે સિવાય કુમાર કુશાગ્રે 101, શિખર મોહને 85, અભિમન્યુ ઈશ્વરને 72 અને વૈભવ સૂર્યવંશીએ 44 રન બનાવ્યા હતા.

જવાબમાં સાઉથ ઝોનની ટીમ 336 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. ટીમ તરફથી કેપ્ટન તિલક વર્માએ 99 અને દેવદત્ત પડિક્કલે 62 રન બનાવ્યા હતા. ચામા મિલિંદે 43 અને નારાયણ જગદીશે 32 રનનું યોગદાન આપ્યું હતું. ઈસ્ટ ઝોન માટે મુકેશ કુમારે 3 અને મોહમ્મદ શમીએ 2 વિકેટ લીધી હતી. આમ ઈસ્ટ ઝોનને પ્રથમ ઇનિંગમાં 372 રનની લીડ મળી.

ત્યારબાદ ઈસ્ટ ઝોને બીજા દાવમાં 7 વિકેટે 388 રન બનાવ્યા અને કુલ લીડ 760 રન સુધી પહોંચાડી. બીજી ઇનિંગમાં પણ કેપ્ટન ઈશાન કિશને 80 રન બનાવ્યા. ઈસ્ટ ઝોનની બીજી ઇનિંગ્સની શરૂઆત ખરાબ રહી હતી. ટીમે 13 રનના સ્કોર સુધી અભિમન્યુ ઈશ્વરન અને વૈભવ સૂર્યવંશીની વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ શિખર મોહને 52 અને ઈશાન કિશને 80 રન બનાવીને ઇનિંગ્સને સંભાળી હતી. કુમાર કુશાગ્રએ 46 રન બનાવ્યા હતા. અનુકૂલ રાયે 64 રનની ઇનિંગ્સ રમી હતી, જ્યારે એમડી કૌનૈન કુરેશી 116 રન બનાવીને અણનમ રહ્યા હતા. ઈશાન કિશનને પ્લેયર ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો.

ઈસ્ટ ઝોને અગાઉ 2011-12 અને 2012-13માં દુલીપ ટ્રોફી જીતી હતી. 2011-12માં ટીમે ફાઇનલમાં સેન્ટ્રલ ઝોનને એક ઇનિંગ્સ અને 20 રનથી હરાવ્યું હતું. જ્યારે 2012-13ની ફાઇનલ ડ્રો રહી હતી અને પ્રથમ ઇનિંગમાં લીડના આધારે ઈસ્ટ ઝોન ચેમ્પિયન બન્યું હતું. હવે ટીમે 14 વર્ષ પછી ત્રીજી વખત ટ્રોફી પોતાના નામે કરી છે.

દુલીપ ટ્રોફી 2026માં ઈસ્ટ ઝોનના કેપ્ટન ઈશાન કિશન સૌથી વધુ રન બનાવનાર બેટર રહ્યા. તેમણે 3 મેચમાં 409 રન બનાવ્યા, જેમાં તેમનો સર્વોચ્ચ સ્કોર 270 રન રહ્યો. સાઉથ ઝોનના તિલક વર્મા 266 રન સાથે બીજા અને ઈસ્ટ ઝોનના કુમાર કુશાગ્ર 224 રન સાથે ત્રીજા નંબર પર રહ્યા.

ટુર્નામેન્ટમાં મુકેશ કુમાર અને અભિજીત સરકાર 5-5 વિકેટ સાથે ટોચ પર છે. ઈસ્ટ ઝોનના મુકેશે 3 મેચમાં 5 વિકેટ લીધી અને અભિજીત સરકારે પણ 3 મેચમાં 5 વિકેટ લીધી. નોર્થ ઝોનના આબિદ મુશ્તાક 2 મેચમાં 4 વિકેટ સાથે ત્રીજા નંબર પર છે.

દુલીપ ટ્રોફીમાં વેસ્ટ ઝોન સૌથી સફળ ટીમ છે. તેણે અત્યાર સુધીમાં 19 ટાઇટલ જીત્યા છે. નોર્થ ઝોન 18 ટાઇટલ સાથે બીજા અને સાઉથ ઝોન 14 ટાઇટલ સાથે ત્રીજા સ્થાને છે. સાઉથ ઝોને તેમાંથી 2 વખત ટ્રોફી શેર કરી હતી.