સત્ય. સાહસ. સંકલ્પ.

છોડના કૂંડામાં અળસિયાં દેખાય એટલે શું? માટીની તંદુરસ્તી ઓળખવાનો સહેલો માર્ગ

છોડના કૂંડામાં અળસિયાં દેખાય એટલે શું? માટીની તંદુરસ્તી ઓળખવાનો સહેલો માર્ગ

ઘરની બાલ્કની કે આંગણામાં કૂંડામાં છોડ ઉગાડતા લોકો ઘણી વાર એવું અનુભવે છે કે કેટલી મહેનત અને ખાતર કર્યા પછી પણ છોડ સારો વિકાસ કરતો નથી. આવા સમયે માટીની ગુણવત્તા ચકાસવી જરૂરી બને છે. એક અનુભવી માળીએ જણાવ્યું છે કે માટીની તંદુરસ્તી ઓળખવાની એક સરળ રીત છે — તેમાં અળસિયાં (વર્મી) દેખાવ.

જ્યારે તમે કૂંડાની માટી બહાર કાઢો અને તેમાં નાના-નાના અળસિયાં ફરતાં દેખાય, તો તેનો અર્થ એ છે કે માટીમાં પૂરતો ભેજ, ઓક્સિજન અને કુદરતી પોષક તત્ત્વો સંતુલિત માત્રામાં છે. આ જીવો માટીની તંદુરસ્તીની નિશાની માનવામાં આવે છે.

અળસિયાં માટીને પોચી બનાવે છે, જેથી છોડના મૂળ સુધી હવા અને પાણી સરળતાથી પહોંચી શકે. તેઓ માટીમાં રહેલા જૈવિક કચરાને ખાઈને તેને કુદરતી ખાતરમાં ફેરવે છે, જેને વર્મીકમ્પોસ્ટ કહેવાય છે. આમ, બજારમાંથી મોંઘું ખાતર લાવવાની જરૂર ઓછી થાય છે.

ઘણી વાર લોકો માટીમાં અળસિયાં જોઈને ગભરાઈ જાય છે અને કીટનાશક દવાનો છંટકાવ કરે છે. એવું ન કરવું જોઈએ, કારણ કે અળસિયાં છોડ માટે નુકસાનકારક નથી. ફક્ત ત્યારે જ ઉપાય કરવો જોઈએ જ્યારે બીજા નુકસાનકારક કીડા કે ફૂગ દેખાય.

અળસિયાંની સંખ્યા વધારવા માટે ચોખા કે દાળ ધોયેલું પાણી કૂંડામાં નાખવું ઉપયોગી ગણાય છે. તેમાં રહેલો સ્ટાર્ચ અળસિયાં માટે ખોરાક બને છે. જો કે, વધુ પડતું પાણી નાખવાથી માટીમાં ભેજ વધી જાય અને મૂળ સડી શકે છે, તેથી સમતુલન રાખવું જરૂરી છે.

નોંધ: આ માહિતી સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડિયોના આધારે તૈયાર કરવામાં આવી છે. તેના દાવાઓની સ્વતંત્ર રીતે પુષ્ટિ કરવામાં આવી નથી. છોડની સંભાળ માટે સ્થાનિક કૃષિ નિષ્ણાતની સલાહ લેવી ઉચિત છે.