વિશ્વના વિવિધ ભાગોમાં રવિવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જાપાન અને વાનુઅતુમાં 6.0થી વધુ તીવ્રતાના શક્તિશાળી આંચકા નોંધાયા, જ્યારે ભારત, ચીન (તિબેટ) અને અફઘાનિસ્તાનમાં પણ ધરતી ધ્રૂજી હતી. વૈજ્ઞાનિક સંસ્થાઓના જણાવ્યા અનુસાર હાલ ક્યાંયથી મોટા નુકસાન કે જાનહાનિના અહેવાલ મળ્યા નથી.
જાપાન: રવિવારે વહેલી સવારે જાપાનના બોનિન દ્વીપ વિસ્તારમાં 6.5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેનાથી આસપાસના દરિયાઈ વિસ્તારમાં હલચલ જોવા મળી હતી.
વાનુઅતુ: દક્ષિણ પેસિફિક મહાસાગરમાં આવેલા વાનુઅતુ દ્વીપસમૂહમાં 6.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તેનું કેન્દ્ર પૃથ્વીની સપાટીથી 125 કિલોમીટર ઊંડાઈએ નોંધાયું હતું.
ચીન (તિબેટ): શનિવારે ચીનના તાબા હેઠળના તિબેટ વિસ્તારમાં માત્ર 5 કલાકના ગાળામાં સતત ત્રણ ભૂકંપ આવ્યા હતા. રાત્રે 1:00 વાગ્યે 4.0, રાત્રે 2:00 વાગ્યે 4.6 અને વહેલી સવારે 5:30 વાગ્યે 4.5ની તીવ્રતા નોંધાઈ હતી.
અફઘાનિસ્તાન: શનિવારે તિબેટમાં સર્જાયેલી ભૂકંપીય હિલચાલ સાથે અફઘાનિસ્તાનના કેટલાક વિસ્તારોમાં પણ આંચકા અનુભવાયા હતા.
ભારત: રવિવારે બપોરે 12:51 વાગ્યે ઉત્તરાખંડના સરહદી જિલ્લા પિથોરાગઢમાં 3.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.
પેસિફિક ક્ષેત્રમાં ભૂકંપ કેમ વારંવાર આવે છે? વાનુઅતુ અને જાપાન પેસિફિ� 'રિંગ ઓફ ફાયર' વિસ્તારમાં સ્થિત છે, જે ભૂકંપ અને જ્વાળામુખીની દૃષ્ટિએ દુનિયાનો સૌથી સક્રિય ઝોન ગણાય છે. અહીં જમીનની અંદર રહેલી ટેક્ટોનિક પ્લેટો સતત હિલચાલ કરતી રહે છે, જેના કારણે નાના-મોટા ભૂકંપ આવતા રહે છે. હાલ તમામ દેશોમાં સ્થિતિ નિયંત્રણમાં છે અને પ્રશાસન પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે.