ચીનની વનસંશોધન એકેડેમીના વૈજ્ઞાનિકોના એક અભ્યાસ અનુસાર, વર્ષ ૨૧૦૦ સુધીમાં પૃથ્વીની ૪૦ ટકાથી વધુ જમીન અત્યંત સૂકી, રણ જેવી બની જશે. આ અભ્યાસ 'એન્વાયર્નમેન્ટલ રિસર્ચ લેટર્સ'માં પ્રકાશિત થયો છે. તેમાં જણાવાયું છે કે ગ્લોબલ વોર્મિંગને કારણે પાણીના ચક્રમાં અસંતુલન વધ્યું છે.
સંશોધકોએ ૧૯૬૦થી ૨૦૨૩ સુધીના હવામાન ડેટા અને આધુનિક ક્લાઇમેટ પ્રોજેક્શન મોડલનો ઉપયોગ કર્યો હતો. તેમના તારણ મુજબ, વધતી ગરમી જમીનની ભેજ સંગ્રહવાની ક્ષમતા ઘટાડે છે. જેથી ફળદ્રુપ જમીન ધીમે ધીમે શુષ્ક ધૂળમાં ફેરવાય છે. જ્યારે સૂકા વિસ્તારો ભેજવાળા પ્રદેશો તરફ વિસ્તરે છે ત્યારે વનસ્પતિનો નાશ થાય છે અને રણનો વિસ્તાર વધે છે.
સંશોધકોએ સ્પષ્ટ કર્યું છે કે એન્ટાર્કટિકા જેવા બરફાચ્છાદિત મહાદ્વીપને બાદ કરતાં, પૃથ્વીની લગભગ ૩૮.૫૮ ટકા જમીન પહેલેથી જ ડ્રાયલેન્ડ્સની શ્રેણીમાં આવે છે. વૈજ્ઞાનિકોએ આ શુષ્ક પ્રદેશોને તેમની તીવ્રતાના આધારે ચાર કેટેગરીમાં વિભાજિત કર્યા છે: અર્ધ-શુષ્ક, શુષ્ક પ્રદેશ, અલ્પ-ભેજવાળા અને અતિ-શુષ્ક રણ પ્રદેશ.
આ અભ્યાસ દર્શાવે છે કે ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ જેવા દેશોમાં રણનો વિસ્તાર વધશે. તેની અસર વૈશ્વિક અન્ન અને જળસંકટ સ્વરૂપે દેખાશે. કરોડો લોકો, પ્રાણીઓ અને સમગ્ર ઇકોસિસ્ટમ પર દબાણ વધશે. ટકાઉ વિકાસ સામે પણ પડકાર ઊભો થશે.
સંશોધકોના મતે, જો વર્ષ ૨૧૦૦ સુધીમાં ૪૦ ટકા ધરતીને રણમાં ફેરવાતી અટકાવવી હોય તો વૈશ્વિક સમુદાયે વચનોથી આગળ વધીને નક્કર પગલાં લેવા પડશે.